- અમદાવાદના ભેજાબાજ પિતા-પુત્ર પર 16.60 લાખ લઈ ઠગાઇની ફરીયાદ
ભોલાવના મૈત્રીનગર ખાતે રહેતાં રિટાયર્ડ સ્ટેશન માસ્તર પિયુષ હેરમાન પરમારના પુત્રના લગ્ન વડોદરા ખાતે રહેતાં સદગુણ મેકવાનની પુત્રી સાથે થયાં હતાં. હાલ પુત્રવધુ વડોદરાની એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. રિટાયર્ડ સ્ટેશન માસ્ટર પિયુષ પરમારની પત્નીનું આણંદ પિયર હોઇ તેઓ અવાર નવાર આણંદ જતાં હતાં. જ્યાં મુળ આણંદના અને હાલમાં અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતાં મનોજ પાઉલ મેકવાન સાથે પરિચય થયો હતો.
મનોજ મેકવાને સમાજના અગ્રણી હોવા સાથે તેમની સારી ઓળખાણને લઇને સરકારી નોકરી અપાવતાં હોવાનું માલુમ પડ્યું હતું. જેના પગલે પિયુષ પરમારે તેમની પુત્રવધુને સરકારી નોકરી માટે વાતચીત કરતાં મનોજ મેકવાને તેમની પાસે 5 લાખની માંગણી કરી હતી. જોકે, તેમણે તબક્કાવાર કુલ 4.50 લાખ રૂપિયા આપ્યાં હતાં. તે જ પ્રમાણે તેમના સગાસંબંધીઓ પણ મનોજ મેકવાન તેમજ તેના પુત્ર જેમીલની વાતોમાં ભોળવાઇ જતાં તેમણે પણ કુલ 12.10 લાખ આપ્યાં હતાં. જોકે બાદમાં પિતા-પુત્રએ કોઇને નોકરી ન અપાવતાં રૂપિયા પરત માંગતાં જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપી હતી.