- રૂ.૪ હજાર કરોડ ઉપરાંતનો પ્રોજેકટ જેણે હસ્તગત કર્યો છે એ જ કંપની નર્મદા નદીમાંથી રાતે હજારો ટન રેતી ઉલેચતા સમસ્ત ભરૂચ જિલ્લા માછી સમાજે ઝડપી
- ગુજરાત સરકાર, સચિવ, GPCB, કલેકટર, CRZ માં EMaIi દ્વારા ફરિયાદ
ભરૂચ જિલ્લા માટે અતિ મહત્વની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ ભાડભુત બેરેજ યોજનાનો રૂ. ૪ હજાર કરોડ ઉપરાંતનો કોન્ટ્રાકટ જે દિલીપ બિલ્ડકોન કંપનીએ હસ્તગત કર્યો છે તે જ નર્મદા નદીમાંથી ગેરકાયદે હજારો ટન રેતી ઉલેચતી હોવાનું સામે આવ્યું છે. સમસ્ત ભરૂચ જિલ્લા માછી સમજે રાતના અંધારામાં કોન્ટેકટ કંપનીની રેતી ભરેલી ૧૫ ટ્રકો અને બે હિટાચી મશીન ઝડપી પાડ્યા હતા. જેનો રિપોર્ટ ઇમેઇલ દ્વારા કલેક્ટરથી લઈ સરકાર અને લાગતા વળગતા તંત્રને કરવામાં આવ્યો છે.
ભાડભુત બેરેજ યોજનાનો રૂ.૪ કરોડથી વધુનો કોન્ટ્રાક્ટર ઓક્ટોબર ૨૦૨૦ માં જ દિલીપ બિલ્ડકોનને અપાયો હતો. જેની કામગીરી જોરશોરમાં હાલ ચાલી રહી છે. કોન્ટ્રાક્ટની ટ્રકો રાત્રી દરમિયાન ગેરકાયદેસર રેતી કૌભાંડ આચરતી હોવાની ફરિયાદ સાથે હકીકત બહાર આવી છે. ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજના લોકોએ હજારો ટન ગેરકાયદેસર નર્મદા નદીમાંથી રેતી વહન કરતી ૧૫ ટ્રકો અને બે ખોદકામ કરતા હિટાચી મશીનોને અટકાવ્યા હતા. પાસ પરમીટ વગર ઓવરલોડ રેતી ભરીને ટ્રકો જતી હતી. રેતી ખનન બાબતે ખાણ ખનીજ સહિત ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી હતી.
માછી સમાજે પુરાવા સાથે કલેકટર અને રાજ્ય સરકારને E-mail મારફતે કરેલી ફરિયાદ મુજબ રાત્રી દરમિયાન દિલીપ બિલ્ડકોન ભાડભૂત ડેમ-બેરેજ બનાવા માટે રાત્રીના અંધારાનો લાભ મેળવી લાખો ટન રેતી નર્મદા નદીની અંદર રસ્તો બનાવી ચોરી કરતા હોવાની જાણ માછી સમાજના લોકોને થઈ હતી. સમાજના અગ્રણીઓ દ્વારા સ્થળ પર જઈ તમામ ટ્રકોને અટકાવી કાયદાનું ઉલ્લંઘન કરતા કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવે તે માટે કાર્યવાહી હાથ ધરી હતી.
માછી સમાજ દ્વારા ટ્રકોના ચાલકો પાસે રોયલ્ટી પાસ માંગણી કરતા તેઓ પાસે કોઈ પણ પ્રકારના કાગળો ન હતા ,જેથી 15 ટ્રકો અને 2 હિટાચી મશીન નંબર વગરના હોય તેઓ દ્વારા મોટી માત્રામાં નદીમાંથી રેતી ખોડી ચોરી કરતા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ નજરે પડ્યું હતું..આ તમામ ટ્રકો તેની વહન કરવાની ક્ષમતા કરતા ઓવરલોડ રેતી ભરીને બેફામ રેતી ચોરી વહન કરતી હોય કુકરવાડા રોડથી ભાડભૂતથી કાસવા-સમની સુધીના રોડ પર રેતી જોવા મળી રહી છે.
નદીમાં મોટા મોટા ખાડા કરી દીધેલા છે અને રેતી કાઢી રહેલા છે, તે બધા ખાડામાં તળાવ જેવું મોટી માત્રામાં પાણી ભરાવાથી લોકો તેમાં ડૂબી જવાની દહેશત પણ વ્યક્ત કરાઈ રહી છે. વેજલપુર, ભરૂચના સેંકડો માછીમારો જે નદીની ખાડી મારફતે પોતાની બોટો, હોડીઓથી અવર જવર કરે છે. તે ખાડી ને પુરાણ કરી દઈને માછીમારોની બોટો, હોડીઓ નો અવર જવર નો માર્ગ બંધ કરી દીધો છે.
આ ખાનગી કંપની જે નર્મદા નદીના વિસ્તારમાંથી રેતી કાઢી રહેલા છે તે CRZ થી પ્રતિબંધિત વિસ્તાર હોય, CRZ ના કાયદાનું પણ ઉલ્લંઘન થઈ રહેલું છે. કંપની દ્વારા લાખો ટન રેતી ચોરી કરીને સરકારની કરોડો રૂપિયાની રોયલ્ટીની ચોરી કરીને સરકારને કરોડોનું નુકશાન કરાઈ રહ્યું હોવાની રાવ સાથે ફરિયાદ કરાઈ છે. માછી સમાજે ટ્રકોને પકડી ફરિયાદ કરી તાત્કાલીક દિલીપ બિલ્ડકોન ના જવાબદાર માલિક પાસેથી સરકારી નુક્શાનીની વસુલાત અને બનાવમાં સંડોવાયેલા તમામ વાહનો જપ્ત કરવા અને સખતમાં સખત પગલાં લેવાની માંગ સાથે ઉચ્ચ સ્તર સુધી રજુઆત કરાઈ છે.