- બાળકો અને સગર્ભાઓ જરૂરી રસીઓથી વંચિત ન રહે તેની ખાત્રી માટે જિલ્લાના ગ્રામ વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું ત્રણ તબક્કાનું મિશન સઘન ઇન્દ્રધનુષ;
કેન્દ્ર સરકારના અને ગુજરાતના આરોગ્ય તંત્ર દ્વારા નિર્ધારિત સમય પત્રક પ્રમાણે સગર્ભાઓને અને નક્કી ઉંમર સુધી બાળકોને ઓરી, ઝેરી કમળો, પોલિયો, ન્યૂમોનિયા, રુબેલા જેવા રોગોથી બચાવતી રસીઓ મૂકવામાં આવે છે. ઘણીવાર ગામ કે ઘર બદલવા સહિતના વિવિધ કારણોસર સગર્ભાઓ અને બાળકો આ રસીઓના ડોઝથી વંચિત રહી જાય છે અને તેમનું આરોગ્ય જોખમાય છે. તેની સામે તકેદારીના રૂપમાં કેન્દ્રીય આરોગ્ય તંત્ર દ્વારા રાજ્ય સરકારોના સહયોગથી સઘન મિશન ઇન્દ્રધનુષનો ચોથો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે.જેના હેઠળ પ્રથમ રસીકરણ સત્ર સાતમી તારીખે યોજાઈ ગયું જ્યારે હવે પછી સાતમી માર્ચ અને ચોથી એપ્રિલે વધુ બે રસીકરણ સત્રો યોજવામાં આવશે.
નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ આ મિશન હેઠળ રસીકરણ યોજવામાં આવ્યું હતું. આ મિશનને સફળ બનાવવા અને કોઈપણ જરૂરી રસી લેવાથી એક પણ બાળક વંચિત ન રહી જાય. તમામ નોંધાયેલી સગર્ભાઓને પ્રસૂતિ પુર્વે જરૂરી તમામ રસીઓ અપાય તેની ખાત્રી માટે જિલ્લાના તમામ તાલુકાઓમાં આશા અને અન્ય આરોગ્ય કાર્યકરોની મદદથી ઘેર ઘેર ફરીને રસી વંચિતોની ઓળખ કરી હતી એવી જાણકારી આપતાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીતે જણાવ્યું હતું કે, આ મિશનના ભાગરૂપે રવિવારે જિલ્લામાં ૧૩ જગ્યાઓએ રસીકરણ યોજવામાં આવ્યું હતું. તેમાં પ૨ જેટલા બાળકોને જે જે રસીઓ મૂકવાની બાકી હતી તે મૂકીને આરોગ્ય રક્ષા કવચ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. તે જ રીતે જિલ્લામાં પ્રસૂતિ પહેલા જરૂરી રસીઓથી વંચિત હોય તેવી ૦૮ સગર્ભાઓ રસીથી વંચિત જણાતા તમામને બાકી રસીઓ આપવામાં આવી હતી.
- સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા