- કુલ રૂ.૬૦,૦૦૦ જેટલી કિંમતનું મટિરીયલ ચોરાયું
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કપલસાડી પાટીયા નજીક ધોરીમાર્ગનું કામ કરતા કોન્ટ્રાક્ટરના સામાનની ચોરી થઇ હોવાની ઘટના બનવા પામી છે. મળતી વિગતો મુજબ ઉંઝા તાલુકાના કામલી ગામના મનોજકુમાર ડાયાભાઈ બારોટ અન્ય કોન્ટ્રાક્ટરો પાસેથી પેટા કોન્ટ્રાક્ટ લઇને કામ કરાવે છે. હાલમાં અંકલેશ્વરથી રાજપીપલાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ધોરીમાર્ગ પર કપલસાડી પાટીયા નજીક કલવટ (નાળુ) બનાવવાની કામગીરી તેઓ કરે છે.
મનોજ બારોટના કોન્ટ્રાક્ટમાં કામ કરતાં માણસો સાઇટ પર જ પડાવ નાખીને રહેતા હોય છે. દરમિયાન ગત રવિવારે મજૂરોની રજા હોવાથી કામ બંધ હતું. સોમવાર સવારે મનોજ બારોટનો સિકંદર નામનો માણસ સ્થળ ઉપર ગયો ત્યારે ત્યાંથી કેટલાક સામાનની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. તપાસ કરતા નાનીમોટી પ્લેટ કુલ નંગ ૨૧, લોખંડની પાઇપના યુ-જૈક નંગ ૧૦, ટાઇરોડ ચકનટ સાથે નંગ ૧૫ તેમજ રનર પાઇપ નંગ ૧૦ ચોરાયા હોવાનું જણાયું હતું.
આ ચોરાયેલ સામાનની અંદાજિત કિંમત રૂપિયા ૬૦,૦૦૦ જેટલી થતી હતી. કોઈ અજાણ્યા તસ્કરો હાથફેરો કરી ગયા હોવાની ખાતરી થતા કોન્ટ્રાક્ટર મનોજકુમાર ડાયાભાઈ બારોટે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
- ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી