અંકલેશ્વરમાં નજીવી તકરારમાં બે જૂથ આમને સામને થતા હિંસક ઢિંગાણું થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં આંબાવાડીમાં લઘુશંકા કરતા યુવકને ઠપકો આપતા મહિલા અને તેમના સસરા પર હુમલો હતો. હુમલાખોરે મહિલા માથામાં ઈંટ મારી તો તેણીના સસરાને સળિયા વડે માર મારતાં ઇજા પહોંચી હતી. અંકલેશ્વર આંબાવાડી ખાતે બનેલી ઘટના બને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી હતી.
અંકલેશ્વરના નવા દિવા ગામ ખાતે રહેતા પુષ્પા વસાવા ઘરના પાછળ કચરો નાખવા ગયા હતા દરમ્યાન અક્ષય નામનો યુવક નજીકમાં લઘુશંકા કરતો હતો, જેને આ બાબતે પુષ્પાબેને ઠપકો આપ્યો હતો. જે વાતની રીસ રાખી અક્ષયે તેના સાથીદારો શહેનશાહ, લક્ષ્મણ અને સંતોષને બોલાવી ઝગડો કર્યો હતો. વાત વધુ વણસતા અક્ષયે પુષ્પાને માથામાં ઈંટ મારી ઇજા પહોંચાડી હતી, જ્યારે ઝગડામાં વચ્ચે પડેલા પુષ્પાના સસરા કાંતીને જમણા હાથ પર સળીયો મારીને ઈજાઓ પહોંચાડીને તમામ ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે પુષ્પાબેન ને શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અક્ષય, શહેનશાહ, લક્ષ્મણ અને સંતોષ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
બીજી બાજુ સામે પક્ષે લક્ષ્મણ ભાઈ તડવી એ પણ પુષ્પા વસાવા, પંકજ વસાવા, ગોમાન વસાવા, પ્રિન્સ વસાવા અને કિશન વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધવી હતી જેમાં લક્ષ્મણ તડવીના પુત્રનો જન્મદિવસ હતો એટલે તેઓ ઘરે હતા દરમ્યાન પુષ્પા, પંકજ, ગોમાન, પ્રિન્સ અને કિશન મારક હથિયાર સાથે ઘસી આવી અક્ષય વસાવાને લઘુશંકા બાબતે બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈ અક્ષયને મારમાર્યો હતો. બાદ લક્ષ્મણને પણ ધારિયા વડે મારમારી ઈજાઓ પહોંચાડી હતી.
આ બનાવની જાણ અંકલેશ્વર શહેર પોલીસ ને થતા પોલીસ કાફલો દોડી આવી મામલો શાંત પડ્યો હતો અને પોલીસે બન્નેંવ પક્ષોની ફરિયાદ નોંધી તેઓ ને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. આંબાવાડી ખાતે બનેલી આ ઘટનામાં સામ સામે છૂટા હાથની મારામારી ઉપરાંત લાકડી અને પથ્થરો વડે થયેલ હુમલાના દ્રશ્યો સામે આવ્યા હતા.