- મહાવીર ટર્નિંગ પાસે આવેલ રામેશ્વર પેટ્રોલિયમના કર્મચારીને નોટ બદલાવનું કહી ગઠિયો છેતરી ગયો
- અગાઉ 3 પેટ્રોલપંપ ઉપર નોટ બદલવાના નામે કેશ લઈ ફરાર થઈ ગયા હતા
અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે આવેલા રામેશ્વર પેટ્રોલિયમના કર્મચારી પાસે ૫૦૦ અને બે હજારના દરની ચલણી નોટો બદલાવવાના બહાને ગઠિયો રૂ.૧.૩૦ લાખની છેતરપિંડી કરી ફરાર થયો ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ગત વર્ષે પણ આવી ૩ ઘટનાઓ બની હતી જેમાં નાના દરની નોટો આપી મોટા દરની નોટો આપવાના ખેલમાં ગઠિયો રોકડા લઈ ફરાર થઇ ગયો હતો.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનાં દેવસારી ગામમાં રહેતો વિનોદ શિવરામ વસાવા અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે આવેલા રામેશ્વર પેટ્રોલિયમ ખાતે ફિલર તરીકે નોકરી કરે છે. જેઓ ગતરોજ નોકરી પર અન્ય કર્મચારી સાથે પંપ પર હતા તે દરમિયાન રાતે આશરે ૪૦ વર્ષીય અજાણ્યો યુવાન નંબર પ્લેટ વિનાની મોટર સાઇકલ લઈને આવ્યો હતો.
રૂપિયા ૧૦૦ ના દરની નોટો આપી ૫૦૦ અને ૨૦૦૦ ના દરની નોટો મળી રૂ.૨ લાખ રૂપિયા જોઈએ છે તેમ કહ્યું હતું. ફિલરને તારા શેઠ વિનેશ ધનુ પટેલ સાથે વાત થઈ છે તેમ કહેતા. કર્મચારીએ માલિક સાથે ફોન કરતાં તેની પાસેથી ફોન છીનવી તે વાત કરવા લાગ્યો હતો. શેઠના ઓળખીતા હોવાનું અનુમાન લગાવી કર્મચારીએ ડીઝલના પડેલા રૂ. ૧.૩૦ લાખ રૂપિયા તેને આપ્યા હતા જેના બદલે ૧૦૦ની નોટો માંગતા તેણે સામે આવેલ બાળકોની હોસ્પિટલના ડોકટર આશિષ પટેલ અને જિગર પટેલ પાસે છે ત્યાથી અપાવું છું તેમ કહેતા પેટ્રોલ પંપના બંને કર્મચારી તેની સાથે ગયા હતા.
જયાં કર્મચારી મંગળદાસ વસાવાને પીઝા આપવાની વાત કહી બીજા કર્મચારી વિનોદ વસાવાને ડોકટર પાસે મોકલ્યો હતો. જ્યાં ડોકટરે રૂપિયા મંગાવ્યા નથી તેમ કહેતા તેણે મંગળદાસ વસાવાને ફોન કરતાં તેણે જણાવેલ કે તે ઈસમ ચાવી લેવાનું કહી ફરાર થઈ ગયો છે. આ અંગે બંને કર્મચારીઓ છેતરાયા હોવાનો અહેસાસ થતાં તેઓએ છેતરપિંડી અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.જોકે આ છેતરપિંડી કરનાર ગઠિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.