• પાલિકાના બની રહેલ સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની લાઈન લીકેજ થતા બની ઘટના
  • પાલિકાના નિર્માણ થતા સુએઝ ટ્રીટમેન્ટ લાઇન લિકેજ થતા તળાવમાં દૂષિત પાણી ભળ્યાં

જંબુસર તાલુકાના ખાનપુર દેહ ગામ ખાતે રહેતા ગામના પશુ પાલકોના અંદાજે ૫૫ જેટલાં નાના-મોટા પશુ તબક્કાવાર મૃત્યુ પામતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. નગર પાલિકાના દુષિત પાણીના કારણે આ પશુના મોત થયા હોવાની રજૂઆત સાથે વળતરની માગણી કરતી લેખિત અરજી પશુપાલકોએ જંબુસર પ્રાંત અધિકારીને પાઠવી છે.

જંબુસર તાલુકાના ખાનપુર દેહગામ નજીક જંબુસર નગર પાલિકા દ્વારા સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જોકે આ કામગીરી હજી અધુરી છે. સાથે નગર પાલિકામાંથી દૂષિત પાણી માટે નાખવામાં આવેલ પાઈપલાઈનમાં લિકેજ થતું હોવાથી પાલિકા વિસ્તારનું દૂષિત પાણી નજીકની જમીન અને તળાવોમાં ભળી રહ્યું છે.

છેલ્લા એક સપ્તાહથી આ ગામના પશુપાલકોના દુધાળા પશુ મોતને ભેટી રહ્યા છે. આ પશુઓના મોતનું કારણ પાલિકાનું દૂષિત પાણી હોવાથી ગામ લોકોએ અનેક વખત પાલિકામાં રજૂઆત પણ કરી હતી. પરંતુ તેમણે આ જવાબદારી પાલિકાની નથી તેમ કહી સત્તાધિશોએ છટકી જવાનો પ્રયાસ કર્યો હતો. આખરે ગામના સરફરાજ યુસુફ ભુજી જેમણે પોતાના ૨૧ પશુ ગુમાવતા આખરે જંબુસર પ્રાંત અધિકારીને આ અંગે લેખિત રજૂઆત કરી પશુઓના મોત બાદ તેનું વળતર ચૂકવવાની માંગ કરી હતી. જેના પગલે પાલિકાના અધિકારીઓ પણ દોડતા થયા હતા. ગામના લોકોએ રજુઆત કરી હતી કે નગર પાલિકાની પાઈપલાઈનમાંથી દૂષિત પાણી લિકેજ થતા તળાવોમાં ભળ્યા છે. આ પાણી પીવાથી પશુઓના મોત થયા છે. અનેક વખત રજૂઆત કરી પણ અધિકારીઓ જવાબદારીમાંથી છટકી રહ્યા હતા.  વેટરનરી તબીબને બોલાવ્યા તો તેઓ સ્થળ પરથી મૃત પશુના સેમ્પલ પણ લઈ ગયા છે.જેના થોડા દિવસમાં રિપોર્ટ પણ આવી જશે.

જવાબદાર તંત્ર પશુપાલકોને યોગ્ય વળતર ચૂકવે અને આ દુષિત પાણી તળાવોમાં વહેતું અટકાવે તેવી અમારી માગણી છે. ત્યારે કેટલાક બેજવાબદાર લોકોના પાપે પશુધનના જીવનો ભોગ લેવાયો છે, ત્યારે આ બાબતે જવાબદાર લોકો પર કાયદેસરની કાર્યવાહી થાય અને પશુપાલકોને વહેલીતકે વળતર ચૂકવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here