સ્થાનિક ગ્રામપંચાયતોના વિરોધથી નવો વિવાદ વકર્યો
હાલમાં જ કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલી એકતાનગર કરી દેવાયું હતું. હવે કેવડિયા ગામનું નામ પણ એકતાનગર કરવાની હિલચાલ તેજ કરાતા 2012માં સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ 2022માં એકતાનગર નામકરણને લઈ વિવાદ સાથે ગ્રામજનોનો વિરોધ ફરી બેઠો થયો છે.
કેવડીયાના સ્થાનિક ગ્રામજનોના આક્ષેપ મુજબ, સરકાર એક બાજુ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરે છે. બીજી બાજુ આઝાદી કાળથીથી ચાલતા કેવડિયા ગામ અને કેવડિયા કોલોની નું સીધું નામ બદલી એકતા નગર નામ રાખવા જઈ રહ્યા છે. જેમાં કોઈ સ્થાનિક ગ્રામપંચાયતને કે સ્થાનિક આગેવનોની મંજૂરી વગર સત્તામંડળ કામ કરી રહ્યું છે જેવો આક્ષેપ હાલ સ્થાનિકો લગાવી રહ્યા છે.
તાજેતરમાં SSNNL ના MD અને એડિશનલ ચીફ સેક્રેટરી ડો. રાજીવ ગુપ્તાએ એક પત્ર દ્વારા વવિધ વિભાગોને સૂચના આપી છે કે, ગુજરાત સરકારે 20/12/2021 ના GAD ઠરાવ નંબર MIS 102021-GOI-23-GH.1 દ્વારા ગામ “કેવડિયા” નું નામ “એકતા નગર” અને “કેવડિયા રેલ્વે સ્ટેશન” નું નામ બદલીને “એકતાનગર રેલવે સ્ટેશન” કર્યું છે.
પરિપત્ર મુજબ વડોદરા ફોર-લેન રોડ અને રાજપીપળા વગેરેથી અન્ય એપ્રોચ રૂટ પરના વિવિધ સાઈનેજ, હોર્ડિંગ્સ વગેરેમાં આ ફેરફારનો સમાવેશ કરવા માટે સંબંધિત ક્ષેત્રીય કચેરીઓને જરૂરી નિર્દેશો જારી કરવા વિનંતી કરાઈ છે. જેને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવે. આ પરિપત્રને લઈને કેવડિયા વિસ્તારમાં વિરોધ ઉઠ્યો છે.
માત્ર એકતા નગર રેલવે સ્ટેશન માટે કોઠી (કેવડિયા) ગ્રુપ ગ્રામપંચાયતમાં 12 મેં 2021ના રોજ ઠરાવ કરવામાં આવ્યો હતો. જે હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ કરી સ્થાનિકો વિરોધ નોંધાવી રહ્યા છે. જોકે સરકાર હવે કેવડિયાનું નામ જ બદલી નાખવા માંગે છે જેનો ગામે ગામે વિરોધ ઉઠી રહ્યો છે ત્યારે કેવડીયા એકતા નગર નામકરણ થાય એ પહેલા જ વિવાદનું કેન્દ્ર બન્યું છે.
સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે, જે વર્ષોથી કેવડિયા નામ ચાલે છે તમામ સ્થાનિકોના ઘરમાં ખેતરો સહિત મિલકતો, અન્ય દસ્તાવેજો, આધાર કાર્ડ, લાયસન્સ, પાનકાર્ડ, ચૂંટનીકાર્ડમાં કેવડિયા નામ છે ત્યારે હવે એકતા નગર કરવું કેટલે અંશે વ્યાજબી છે.
ગૂગલ મેપથી લઈને ફોરલેનના સાઈન બોર્ડ અને કેટલું બધું બદલવુ પડશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી SOUની એક પ્રતિમા છે, એકતાનો અહેસાસ છે પછી એકતા નગરી કરવાનો શુ મતલબ છે. કેવડિયા સ્ટેશન એકતા નગર રેલવે સ્ટેશનનું થયુ એનો વાંધો નથી પણ આખું કેવડિયાનું નામકરણ બદલી એકતાનગર કરવાને સ્થાનિકો ખોટું ગણાવી રહ્યાં છે અને તેનો ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ સ્થાનિકો આપી રહ્યા છે.