- તસ્કરો સોના-ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયા મળી અંદાજીત ૨ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર
- શિયાળાની સીઝનમાં ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરોએ પોલીસને પડકાર ફેકયો
ભરૂચ શહેરના કેસુરમામાના ચકલા,નવી વસાહત સહીત આકાશ દર્શન સોસાયટીમાં તસ્કરો ત્રાટકી સોના-ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયા મળી અંદાજીત ૨ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચ શહેરના કેસુરમામા ચકલા વિસ્તારમાં રહેતા દમયંતીબેન જાદવ પોતાનું મકાન બંધ કરી પુત્રીને ત્યાં ગયા હતા. દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ રોકડા ૩૫ થી ૪૦ હજાર અને ચાંદીના ઘરેણા તેમજ મકાન માલીકના નવા સીવડાવેલ ૧૭ જોડી કપડાંની પણ ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
જયારે નવી વસાહતના બે મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં તસ્કરોએ નવી વસાહતમાં રહેતા હેમંતભાઈ અરવિંદભાઈ ટેલરના મકાનને નિશાન બનાવી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ ૧૫ હજાર રોકડા અને સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
તો ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ આકાશ દર્શન સોસાયટીના મકાન નંબર-ડી-28માં રહેતા અનિલ ડાહ્યાભાઈ પટેલ પોતાનું મકાન બંધ કરી કલમ ગામ ખાતે પોતાના મામાના ઘરે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મકાનનો મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડા 3 હજાર તેમજ ઉપરના માળેથી ઘરેણાં મળી અંદાજિત ૬૦ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે મકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.