- રૂપિયા 17 લાખના ખર્ચે રોડ બનશે
- ધારાસભ્યએ નર્મદા નદીમાં દૂધનો અભિષેક સાથે આરતી ઉતારી પુંજા કરી
- કુશલ ભારત, કૌશલ ભારત યોજના હેઠળ બ્યુટીપાર્લરની તાલીમ મેળવનાર યુવતીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા
વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા એ ઝનોર ખાતે ગામના સ્મશાનને જોડતા અને રૂપિયા 17 લાખના ખર્ચે નિર્માણાધિન રોડનું ખાત મુહૂર્ત કરતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ ઉભો થયો છે. ધારાસભ્યએ ઝનોર ખાતે નર્મદા નદીમાં દૂધ અને પાણીનો અભિષેક કરવા સાથે નર્મદામૈયાની આરતી ઉતારી હતી. આ પ્રસંગે ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે સરકારના કુશલ ભારત, કૌશલ ભારત યોજના હેઠળ બ્યુટીપાર્લરની તાલીમ મેળવનાર યુવતીઓને પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા. દરમ્યાન દેશના વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમ સમૂહમાં નિહાળ્યો હતો.
ભરૂચ તાલુકાના ઝનોર ખાતે નદી કિનારે આવેલ સ્મશાનને જોડતો પાકો રસ્તો ન હોવાથી ગ્રામજનોને હાલાકી ઉઠાવવી પડતી હતી. આ રસ્તા માટે રૂપિયા 17 લાખ મંજુર કરાતા વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે માર્ગનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત પહેલા ધારાસભ્ય એ નર્મદા નદીમાં દૂધ અને પાણીનો અભિષેક કરી નર્મદા મૈયાની આરતી ઉતારી હતી. અવસરે કેન્દ્ર સરકારના કુશલ ભારત, કૌશલ ભારત અભિયાન હેઠળ મહિલા આત્મનિર્ભર યોજનામાં ભરૂચ જનશિક્ષણ સંસ્થા સંચાલિત ઝનોર સેન્ટરમાં બ્યુટીપાર્લરની તાલીમ મેળવનાર યુવતીઓને પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા.
આ અવસરે ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ ભાજપના તાલુકા પ્રમુખ અલ્પેશસિંહ રાજ, જિલ્લા ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા, તાલુકા પંચાયત પ્રમુખ મોનાબેન પટેલ, જનશિક્ષણ સંસ્થાનના નિયામક ઝૈનુલ આબેદ્દીન સૈયદ, ઝનોરના સરપંચ સહિતના આગેવાનો સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીનો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. આ પ્રસંગે ગાંધીજીના નિર્વાણદીન નિમિત્તે સફાઈ કામદાર બહેનોને સાડીનું વિતરણ પણ કરાયું હતું.