- રોકડા રૂ. ૩.૩૧ લાખની ચોરી કરી તસ્કરો ફરાર
ભરૂચ નેશનલ હાઇવે ઉપર વગુશણા ગામની સીમમાં આવેલા ટોયોટા શો રૂમને નિશાન બનાવી ઓફિસમાં રહેલા લોકરને બહાર ઘસડી લાવી તોડીને તસ્કરો રૂપિયા 3.31 લાખથી વધુની રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચ નેશનલ હાઇવે ઉપર વગુસણા ગામની સીમમાં ટોયોટા કંપનીનો નાણાવટી મોટર્સ શો રૂમ આવેલો છે. જે શો રૂમને ગત તારીખ ૨૯મી જાન્યુઆરીની મધરાતે તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. તસ્કરોએ વોશિંગ એરિયાના શટરને તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તેમજ શો રૂમમાં આવેલી કેશિયર ઓફિસમાં રહેલા લોકરને શો રૂમની બહાર ઢસડી લઈ જઈ લોકરને તોડી અંદર રહેલા રોકડા રૂપિયા ૩ લાખ ૩૧ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી.
આ ઉપરાંત ચોરો શો રૂમમાં રહેલા સીસીટીવી કેમેરાની તોડફોડ કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે સીસીટીવી કેમેરામાં પાંચ જેટલા તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપવા આવ્યા હોવાનું દેખાઇ રહ્યું છે.