રણજી ટ્રોફીનું આયોજન થશે, ટૂર્નામેન્ટ બે તબક્કામાં થશે, એ સમાચાર પણ નક્કર છે. પરંતુ, ટૂર્નામેન્ટ કઈ તારીખથી શરૂ થશે, તેની તારીખ પણ સૌરવ ગાંગુલીએ કન્ફર્મ કરી દીધી છે. તેમના જણાવ્યા અનુસાર, BCCI આગામી ૧૩ ફેબ્રુઆરીથી ટૂર્નામેન્ટ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ સાથે BCCI પ્રમુખે એમ પણ કહ્યું કે ટૂર્નામેન્ટના ફોર્મેટમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તમામ ટીમોને પાંચ ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપમાં ૬ ટીમો હશે. જ્યારે પ્લેટ ગ્રૂપમાં ૮ ટીમો હશે.
સૌરવ ગાંગુલીએ પ્રસારણકર્તા સાથેની વાતચીતમાં ટૂર્નામેન્ટની શરૂઆતની તારીખની પુષ્ટિ કરી કહ્યું, અમે ફેબ્રુઆરીના મધ્યથી રણજી ટ્રોફી શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. આ તારીખ 13 ફેબ્રુઆરી હોઈ શકે છે. હાલમાં રણજી ટ્રોફીનું ફોર્મેટ એ જ રહેશે. ટુર્નામેન્ટ બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો એક મહિનાનો હશે જે IPL 2022 પહેલા રમાશે.
ટુર્નામેન્ટના સ્થળ અંગેનો નિર્ણય સોમવાર સુધીમાં થવાની સંભાવના છે,આવી સ્થિતિમાં જૂન-જુલાઈમાં રણજી ટ્રોફીના નોકઆઉટ સ્ટેજનું આયોજન કરવામાં આવશે. ટૂર્નામેન્ટનું ફોર્મેટ એ જ રહેશે, જ્યાં સુધી કોરોના તેમાં કોઈ અડચણ ઊભી નહીં કરે. કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને અમે ટૂર્નામેન્ટ માટે સ્થળ શોધી રહ્યા છીએ. બેંગ્લોર અને કેરળમાં કોરોનાના વધુ કેસ છે. અમે આ ક્ષણે દરેક વસ્તુ પર વિચાર કરી રહ્યા છીએ. આ અંગે સોમવાર સુધીમાં થોડું ચિત્ર સ્પષ્ટ થશે.
રણજી ટ્રોફી આ અગાઉ ૬ શહેરોમાં યોજાવાની હતી, જેમાં મુંબઈ, બેંગ્લોર, અમદાવાદ, કોલકાતા, તિરુવનંતપુરમ અને ચેન્નાઈનો સમાવેશ થાય છે. કોલકાતામાં નોકઆઉટ મેચો રમાવાની છે. ગાંગુલીએ નોકઆઉટ મેચો દરમિયાન સામે આવતા પડકારો વિશે પણ વાત કરી હતી. કારણ કે તે સમયે ભારતમાં ચોમાસાની સિઝન હશે. ગાંગુલીએ કહ્યું, અમે તે સમયે બેંગલુરુમાં નોકઆઉટ મેચોનું આયોજન કરવાનો પ્રયાસ કરીશું. બાકીનું જોઈએ. પરંતુ આગામી ૩ થી ૪ દિવસમાં બધુ સાફ થઇ જશે તે નિશ્ચિત છે.