ભરૂચના નબીપુર ઝનોર માર્ગ પર મોપેડ અને બાઈક સામસામે ભટકાતા પતિ પત્ની સહિત 3 લોકોના મોત નિપજવાની ઘટનાએ સૌને હચમચાવી મુકયા હતા.જ્યારે અન્ય ૧ વ્યક્તિ ગંભીર રીતે ઈજાઓ થતા તેને વધુ સારવાર અર્થે ખસેડાયો છે.
ભરૂચના નબીપુર-ઝનોર રોડ ઉપર સામલોદ ગામ નજીક મોપેડ અને બાઈક વચ્ચે સામસામે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં પતિ-પત્ની સહિત ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

નબીપુર-ઝનોર માર્ગ પર બંને વાહનો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં જેમાં ઝનોર ગામનાં સતીશ વસાવા અને તેમના પત્ની જ્યોત્સનાબેન વસાવાનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, સામેના વાહનના ચાલક ઝઘડિયાના રાહુલ વસાવાનું પણ ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં બે પરિવારે પોતાના સ્વજનો ગુમાવતાં શોકનો માહોલ છવાયો છે. મળતી માહિતી મુજબ આ મૃતકો ઝઘડિયા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતની જાણ થતા જ નબીપુર પોલીસ મથકનો પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડયા છે. એક સાથે ત્રણ લોકોના મોત થતાં લોકોમાં શોકની લાગણી પ્રસરી છે.





