દિવાળી બાદ ભરૂચ નગર પાલિકા, માર્ગ અને મકાન વિભાગ, પ્રાંત અધિકારીની કચેરી અને પોલીસ તંત્રની સંયુક્ત ટીમોએ પૂર્વપટ્ટી વિસ્તારમાં કસકથી ઝાડેશ્વર ચોકડી સુધી દબાણોનો સફાયો બોલાવ્યો હતો. જોકે, આ ઝુંબેશ બાદ શહેરના મુખ્ય વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી અટકી પડતાં તંત્રની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
ચોંકાવનારી બાબત એ છે કે ભરૂચ નગર પાલિકાની કચેરીના નાક નીચે એટલે કે માત્ર ૫૦ મીટરની હદમાં આવેલી શાલીમાર ચોકડી પાસે જ ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે. અહીં આવેલી ‘ફ્રેન્ડ્સ મોબાઈલ’ દુકાનની બહાર જાહેર માર્ગ અને ફૂટપાથ પર વડાપાંઉના કાઉન્ટરો ગોઠવી દબાણ ઉભું કરવામાં આવ્યું છે. સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે કે દુકાનદારે પોતાની દુકાન બહારની સરકારી જગ્યા વડાપાંઉના વિક્રેતાને ભાડે આપી રૂપિયા કમાવવાનું કારસ્તાન રચ્યું છે.
એક તરફ તંત્ર દ્વારા રાહદારીઓની સુવિધા માટે ફૂટપાથ પર પેવર બ્લોક લગાવવામાં આવ્યા છે, પરંતુ દુકાનદારોએ તેના પર કબજો જમાવી રોડ સુધી દબાણો વિસ્તાર્યા છે. સાંજના સમયે અહીં ખાણીપીણી માટે લોકોની ભારે ભીડ જામે છે અને ગ્રાહકો પોતાના વાહનો જાહેર રોડ પર જ પાર્ક કરે છે. સતત વાહનો અને રાહદારીઓથી ધમધમતી શાલીમાર ચોકડી પર આડેધડ પાર્કિંગને કારણે રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે.
પોતાની જ કચેરી સામે થતા આ દબાણો પ્રત્યે પાલિકા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. તંત્રની આ ‘વ્હાલા-દવલાની નીતિ’ સામે ગરીબ અને મધ્યમ વર્ગના નાના વેપારીઓમાં ભારે રોષ અને કુતુહલ જોવા મળી રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે પાલિકા તંત્ર ક્યારે કુંભકર્ણની નિદ્રામાંથી જાગે છે અને શાલીમાર ચોકડી પરના દબાણો દૂર કરે છે.





