ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત ભરૂચ જિલ્લાની મુલાકાતે પધારેલા ડૉ. નરેશ દેસાઈનું ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા અભૂતપૂર્વ અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે જિલ્લા યુવા મોરચાએ વિરાટ બાઇક રેલી અને યુવા સંવાદના માધ્યમથી પ્રચંડ શક્તિપ્રદર્શન કર્યું હતું.
પ્રદેશ યુવા અધ્યક્ષ ડૉ. નરેશ દેસાઈના ભરૂચ ખાતેના પ્રથમ આગમનને વધાવવા માટે ઝાડેશ્વર ચોકડી ખાતે જિલ્લા ભાજપ યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર અને તેમની ટીમ દ્વારા બે જેસીબી (JCB) મશીન વડે પુષ્પવર્ષા કરીને ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. ત્યારબાદ ઝાડેશ્વર ચોકડીથી કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ સુધી 600થી વધુ યુવા કાર્યકરોની વિશાળ બાઇક રેલી યોજાઈ હતી. રૂટ પર ઠેર-ઠેર પ્રદેશ પ્રમુખનું ફૂલહારથી સ્વાગત થતા સમગ્ર વાતાવરણ કેસરિયા રંગે રંગાયું હતું.
બાઇક રેલીના સમાપન બાદ આત્મીય હોલ ખાતે પ્રદેશ યુવા પ્રમુખે યુવા કાર્યકરો સાથે ‘યુવા સંવાદ’ કર્યો હતો, જે બાદ જિલ્લા યુવા કારોબારીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર ભાજપની સરકાર બનાવવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કરાયો હતો.
સભાને સંબોધતા ડૉ. નરેશ દેસાઈએ જણાવ્યું હતું કે, “જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, તે જ રીતે 2027ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપની જ સરકાર બનશે.” વિપક્ષ પર નિશાન સાધતા તેમણે ઉમેર્યું હતું કે, “કોંગ્રેસ અને વિપક્ષે હંમેશા ગુજરાતને જાતિવાદમાં વહેંચવાનો પ્રયાસ કર્યો છે. 2014માં માત્ર 4 રાજ્યોથી શરૂ થયેલી ભાજપની વિકાસયાત્રા આજે સમગ્ર દેશમાં વિસ્તરી છે.” વધુમાં, તેમણે ‘Gen-Z’ શબ્દને વિપક્ષ દ્વારા યુવાનોને વિભાજિત કરવા માટે ઊભો કરાયેલો શબ્દ ગણાવતા કહ્યું હતું કે, “યુવા એ માત્ર યુવા છે, અને આજની યુવા પેઢી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે અડીખમ ઊભી છે.”
આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન જિલ્લા યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર, મહામંત્રી હેમદીપ પટેલ અને આકાશ મોદીની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી ડૉ. ભાવિન સિરોયા, પ્રભારી યશ ગોયાણી, જિલ્લા ભાજપ મહામંત્રી પરેશ પટેલ, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.






