ભરૂચ શહેરમાં આવેલા એક પ્રાચીન ધાર્મિક સ્થળની માલિકી અને તેના ઐતિહાસિક અસ્તિત્વને લઈને વિવાદ ગરમાયો છે. સનાતની હિન્દુ સમાજ, જૈન સમાજ અને મહાનુભાવ પંથના અનુયાયીઓએ શક્તિનાથ ગ્રાઉન્ડથી વિશાળ રેલી કાઢીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. અરજદારોએ આ સ્થળ આશરે 2,000 વર્ષ જૂનું હિન્દુ-જૈન મંદિર અને મહાનુભાવ પંથના સ્થાપક ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કર્યો છે.

કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં અરજદારોએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, આ સ્થળના મૂળ સ્વરૂપમાં ફેરફાર કરીને તેના પર કબજો જમાવી લેવામાં આવ્યો છે. સિટી સર્વે રેકોર્ડ મુજબ આ મિલકત વર્ષ 1941થી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ની માલિકી તરીકે નોંધાયેલી છે. તેમ છતાં, વર્ષ 1961માં મેજિસ્ટ્રેટના આદેશનો ખોટો હવાલો આપીને પ્રોપર્ટી કાર્ડમાં ખાનગી ટ્રસ્ટના ત્રણ ટ્રસ્ટીઓનાં નામ દાખલ કરી દેવાયા હતા.

આ ઉપરાંત, દસ્તાવેજી વિસંગતતા તરફ ધ્યાન દોરતા જણાવાયું છે કે આ મિલકતનો મ્યુનિસિપલ નંબર C-1606 છે, જ્યારે ટ્રસ્ટના પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટર (PTR) માં C-1515 નંબર દર્શાવવામાં આવ્યો છે. અરજદારોના મતે, ASIના વડોદરા વિભાગ દ્વારા 13 મે અને 25 નવેમ્બર 2025ના રોજ કલેક્ટર કચેરીને પત્ર લખીને પ્રોપર્ટી કાર્ડમાંથી ટ્રસ્ટીઓનાં નામ કમી કરવા રજૂઆત કરાઈ હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

કલેક્ટર સત્તાનો ઉપયોગ કરી નામ દૂર કરે: મુક્તાનંદ સ્વામી
આ અંગે પત્રકારો સાથે વાત કરતા મુક્તાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, “1961માં કાયદાકીય પ્રક્રિયાનો ખોટો હવાલો આપીને ખાનગી ટ્રસ્ટના ટ્રસ્ટીઓનાં નામ દાખલ કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર પોતાના અધિકારનો ઉપયોગ કરીને આ ગેરકાયદેસર રીતે દાખલ થયેલા નામ તાત્કાલિક દૂર કરે અને મિલકતને ફરીથી સરકારી રેકોર્ડમાં નોંધે તેવી અમારી મુખ્ય માંગ છે.”

ટ્રસ્ટના તમામ દસ્તાવેજો કાયદેસર: અબ્દુલ કામઠી (જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ)
બીજી તરફ, આ વિવાદ અંગે જુમ્મા મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટી અબ્દુલ કામઠીએ તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ટ્રસ્ટ પાસેના તમામ દસ્તાવેજો સંપૂર્ણપણે કાયદેસર છે. અગાઉ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવતી હતી, અને વર્ષ 1995માં વક્ફ બોર્ડની રચના થયા બાદ કોર્ટના આદેશથી જ ટ્રસ્ટનો વહીવટ અને નિમણૂકની પ્રક્રિયા વક્ફ બોર્ડ હેઠળ આવી હતી. કામથીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે આ પ્રકારના પાયાવિહોણા દાવાઓ કરીને શાંતિપ્રિય ભરૂચના કોમી એખલાસને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે.

હાલ બંને પક્ષો પોતપોતાના દસ્તાવેજો અને ઐતિહાસિક પુરાવાઓના આધારે મક્કમ દાવા કરી રહ્યા છે. ત્યારે હવે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 1941થી અત્યાર સુધીના તમામ મહેસૂલી અને સિટી સર્વે રેકોર્ડની ઝીણવટભરી ચકાસણી કર્યા બાદ શું નિર્ણય લેવામાં આવે છે, તેના પર સમગ્ર શહેરની નજર મંડાયેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here