આમોદ તાલુકામાં આવાસ યોજનાના લાભાર્થીઓની પસંદગી અને મંજૂરીને લઈને શરૂ થયેલો વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. માંગરોલ ગામના ૧૬ લાભાર્થીઓના આવાસો રદ થતા આદિવાસી સમાજ તેમજ તાલુકા કોંગ્રેસના આગેવાનોએ તાલુકા વિકાસ અધિકારીની કચેરી બહાર જ રામધૂન સાથે વિરોધ નોંધાવતા પોલીસે કોંગ્રેસી કાર્યકરો સાથે લાભાર્થીઓની અટકાયત કરી હતી.આમોદ તાલુકાના ૯ ગામોમાં કુલ ૧૦૧ આવાસ મંજૂર કરવામાં આવ્યા હોવા છતાં માંગરોલ ગામના ૧૬ આવાસ રદ કરવામાં આવ્યા હોવાના મુદ્દે આદિવાસી લાભાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જેથી આમોદ તાલુકા વિકાસ અધિકારી (TDO) ની કચેરી બહાર જ લાભાર્થીઓ તેમજ કોંગ્રેસના આગેવાનોએ રામધૂન શરૂ કરી કચેરીનો ઘેરાવો કર્યો હતો.

સમગ્ર મામલે વાતાવરણ ઉગ્ર બનતાં આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કરમટિયા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.બીજી તરફ તાલુકા વિકાસ અધિકારીએ આદિવાસી લાભાર્થીઓને વ્યક્તિગત રીતે મળવા માટે અનુરોધ કર્યો હતો. કેટલાક લાભાર્થીઓએ TDO સાથે મુલાકાત પણ કરી હતી, પરંતુ કોંગ્રેસના આગેવાનો વ્યક્તિગત મુલાકાતને બદલે સમગ્ર મામલે જાહેરમાં સ્પષ્ટતા કરવાની માંગ પર અડગ રહ્યા હતા.
આથી કોંગ્રેસના આગેવાનો અને આદિવાસી સમાજના લોકોએ TDO કચેરીની બહાર જ રામધૂન સાથે ધરણાં શરૂ કરી દીધાં હતાં.લાંબા સમય સુધી ચાલેલા વિરોધ અને હોબાળા બાદ આખરે આમોદ પોલીસે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી સહિત માંગરોલના સરપંચ મણિલાલ પ્રજાપતિ સાથે આદિવાસી લાભાર્થીઓની અટકાયત કરી હતી.આમોદ તાલુકા પંચાયત ખાતે થયેલા ભારે હોબાળા અને રાજકીય ગરમાવા વચ્ચે આદિવાસી લાભાર્થીઓને ક્યારે ન્યાય મળશે તે જોવું રહ્યું.
• ન્યુઝ લાઇન રિપોર્ટ : વિનોદ પરમાર,આમોદ






