ભરૂચમાં ધોરણ 1થી 5ના 424 વિદ્યા સહાયકોને નિમણૂક પત્ર એનાયત: 2005 બાદ સૌથી મોટી ભરતી
ભરૂચ: ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે ઝાડેશ્વરના BRC ભવનમાં ધોરણ 1થી 5ના નવનિયુક્ત વિદ્યા સહાયકો માટે સ્થળ પસંદગી અને નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજ્યો હતો. કુલ 424 ઉમેદવારોને નિમણૂક પત્ર અપાયા હતા. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
ડિમ્પલ રાજે કહ્યું કે ગુજરાત સરકારની ભરતી હેઠળ ભરૂચ જિલ્લામાં 424 વિદ્યા સહાયકોની નિમણૂક થઈ છે. આનાથી જિલ્લાના યુવાનોને રોજગારી મળશે, શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી થશે અને બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે. તેમણે જિલ્લા પંચાયત વતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો.
સચિન શાહે જણાવ્યું કે ધોરણ 1થી 5 માટે 424 વિદ્યા સહાયકોની સ્થળ પસંદગી કરીને નિમણૂકના હુકમ અપાયા છે. વર્ષ 2005 પછી આટલી મોટી ભરતી પહેલીવાર થઈ છે. જિલ્લામાં શિક્ષકોની ઘટને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા બદલ શાહે રાજ્ય સરકાર, મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને પ્રિન્સિપલ સેક્રેટરી મિલિંદ તોરવણેનો આભાર માન્યો.
નિમણૂક પત્ર મેળવનાર શિક્ષિકા ગોહિલ દીક્ષિતાએ કહ્યું કે વિદ્યા સહાયક બનવાનું તેમનું વર્ષો જૂનું સપનું પૂરું થયું છે. સવારથી કાર્યક્રમની કામગીરી સમયસર પૂરી થઈ અને અધિકારીઓનો સહકાર મળ્યો. વિભાગ મુજબ, આ ભરતીથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ ઘટશે અને બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે.






