છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી બાહુલ્ય ધરાવતા કવાંટ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું આગમન થતાં સ્થાનિક નાગરિકો અને કાર્યકરો દ્વારા તેમનું ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


કવાંટની ધરતી પર નાયબ મુખ્યમંત્રીના આગમન પ્રસંગે સમગ્ર વિસ્તારમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા પરંપરાગત લોકનૃત્યો જેવા કે ઘેરૈયા નૃત્ય, ટીમલી અને રામ ઢોલના તાલે તેમનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારાના નાદ અને પારંપારિક વેશભૂષામાં સજ્જ કલાકારોએ વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કવાંટ ખાતે નસવાડી ચોકડી સ્થિત ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્વક નમન કર્યા હતા. તેમણે ડૉ. આંબેડકરના વિચારો અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું.

કવાંટના માર્ગો પર નાયબ મુખ્યમંત્રીની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. ઉપસ્થિત વિશાળ જનમેદનીનું અભિવાદન ઝીલતા હર્ષ સંઘવીએ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના ગગનભેદી નારા લગાવ્યા હતા, જેનાથી સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ પણ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here