•ભરૂચ કલામંદિર દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે બન્ને ઠગો સામે રૂ. 1.90 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઇ
ભરૂચ ક્લામંદિર જવેલર્સમાં દિવાળીના તહેવારો બાદ આવેલા 2 રાજસ્થાની ભેજાબાજોએ સોનાના 4 નકલી બિસ્કિટ વેચી અસલી સોનાની ચેઇન ખરીદી રૂ. 1.90 લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.
ભરૂચ અને સુરતમાં ક્લામંદિર જવેલર્સને બે રાજસ્થાની ભેજબાજોએ 20 દિવસમાં બે વખત નિશાન બનાવ્યું હતું. જોકે ત્રીજી વખત સુરત ખાતે તેઓ ફરીથી સોનાના નકલી 4 બિસ્કિટ વેચવા જતા ઝડપાઇ જતા સુરતની ઉમરા પોલીસે મૂળ રાજસ્થાન અને હાલ સેલવાસા રહેતા ઠગ ગોટુ લાલ પ્રભુજી ગુર્જર અને કિશનલાલ છગનલાલ ગુર્જરની ધરપકડ કરી હતી.ભરૂચ ક્લામંદિરમાં પણ 8 નવેમ્બરે આ બન્ને ભેજાબાજ પોતાની પાસે રહેલા સોનાના 4 નકલી બિસ્કિટ લઈ વેચવા આવ્યા હતા. જેની સામે સોનાની 4 તોલાની ચેઇન ખરીદી હતી.
આ અગાઉ 4 નવેમ્બરે સુરતની કલામંદિર જવેલર્સ ખાતે સોનાના 4 બિસ્કિટ વેચી આ ભેજાબાજો સોનાની અસલી ચેઇન ખરીદી પલાયન થઈ ગયા હતા. દરમિયાન ભરૂચ ખાતેના શો-રૂમમાં પણ આજ રીતે કસબ અજમાવ્યા બાદ આ બિસ્કિટ સુરત મોકલતા તે નકલી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
બન્નેવ રાજસ્થાની ઠગોએ ત્રીજી વખત 23 નવેમ્બરે ફરી સુરતમાં ક્લામંદિર જવેલર્સમાં 4 નકલી બિસ્કિટ વેચવા ફેરો માર્યો હતો. જોકે તેઓ આ વખતે પકડાઈ જતા ઉમરા પોલીસને હવાલે કરાયા હતા.જે બાદ ભરૂચ ક્લામંદિરના બ્રાન્ચ મેનેજર રોનીશ ખાબિયાએ એ ડિવિઝન પોલીસ મથકે બન્ને ભેજાબાજો સામે સોનાના નકલી 4 બિસ્કિટ પધરાવી રૂ. 1.90 લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.