નર્મદા કિનારે આવેલા શુકલતીર્થ ખાતે કાતકી અગિયારસથી પૂનમ સુધી ૫ દિવસની જાત્રા ભરાય છે. જોકે આ વર્ષે મેળો યોજાયો નથી. પરંતુ નર્મદા નદી ઉપર થતી તીર્થ શ્રાદ્ધ અને પિતૃ તર્પણ વિધિ માટે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા.
ભરૂચ તાલુકાના શુકલતીર્થ મહાદેવ મંદિરની તપોવન ભૂમિ ઉપર કોરોનાના કહેરથી પરંપરાગત યોજાતો મેળો રદ કરવામાં આવ્યો હતો. પરંતુ આ તીર્થ ઉપર શ્રાદ્ધ અને પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ થાય તે માટેની વિધિનું અનેરું મહત્ત્વ રહેલું છે. જેના કારણે ગત મોડી રાત્રીથી પૂનમે આખો દિવસ મોટી સંખ્યામાં લોકોએ ભૂદેવ સાથે ઉપસ્થિત રહી વિધિ યોજી હતી.
આ વર્ષે કોરોનાની મહામારી ના કારણે કાતકી પૂણમાનો મેળો શુકલતીર્થ ગ્રામ પંચાયતે સર્વાનુમતે ઠરાવ કરી મેળો નહિ યોજવા નિર્ણય કરાયો હતો. શુક્લતીર્થની જાત્રા થકી ૫ દિવસમાં પંચાયતને 18 થી 20 લાખની આવક થાય છે. રાજ્ય ભરમાંથી ૪ લાખથી વધુ લોકો ઉમટી પડે છે. જાત્રામાં નદી કિનારે 1000 થી વધુ પાથરણાવાળા, ખાણી પીણી, મનોરંજનના સ્ટોલ સહિતના અનેક લોકોને પણ ૫ દિવસમાં મેળા થકી થતી આવક ગુમાવવાનો વારો આવ્યો છે.
પરંતુ આ તીર્થ ની તપોવન ભૂમિ ઉપર પિતૃ તર્પણ વિધિ તેમજ અન્ય વિધિ કરવાથી લોકોને મોક્ષ પ્રાપ્તિ થતી હોવાની પણ માન્યતાઓ રહેલી છે જેના કારણે ગત મોડી રાત્રિએ થી લોકો નર્મદા નદીના ઘાટ ઉપર પિતૃ તર્પણ વિધિ તેમજ તીર્થ શ્રાદ્ધ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. આખી રાત નર્મદા નદીના ઘાટ ઉપર અંધારપટ વચ્ચે પણ ભૂદેવોએ વિધિ કરાવી હતી.
કોરોનાની મહામારી ના કારણે કાતકી પૂણમાનો યોજાતો મેળો ગ્રામ પંચાયત દ્વારા રદ કરવામાં આવ્યો હતો જેના કારણે નર્મદા નદીના ઘાટ ઉપર પણ લાઈટની કોઈ સુવિધા કરવામાં આવી હતી. નર્મદા નદીના પ્રવેશદ્વાર નજીક રહેલ એક લાઇટના અજવાળે કાતકી પૂણમાની સમગ્ર રાત્રી દરમિયાન ભૂદેવોએ લોકોને તીર્થ શ્રાદ્ધ અને પિતૃ તર્પણ વિધિ કરાવી હતી. લાઈટનું અજવાળું ઓછું પડતાં ભૂદેવોને મોબાઈલની ટોર્ચના અજવાળી લોકોને વિધિ કરાવવા માટેની ફરજ પડી હતી.