ભરૂચ શહેર અને જિલ્લામાં બુધવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગુરૂવારે બપોરે વાદળછાયા વાતાવરણ વચ્ચે કારતકમાં અચાનક ધોધમાર કમોસમી વરસાદ તૂટી પડતા ખેડૂતો અને લગ્નના આયોજકો ચિંતાતુર બની ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન નિષ્ણાંતો દ્વારા અગાઉથી કમોસમી વરસાદની આગાહી કરી હતી. ત્યારે છેલ્લા બે દિવસથી રાજ્યના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. ઠંડીની સાથે સાથે દિવેસ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

ભરૂચ જિલ્લામાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન ખાતાની વરસાદની આગાહી ગુરુવારે સાચી ઠરી હતી. બપોરે ભરૂચ શહેર સહિત અન્ય વિસ્તારોમાં જોરદાર કમોસમી વરસાદ તૂટી પડતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. શિયાળાના પ્રારંભે જ કમોસમી વરસાદથી જોતજોતામાં ભરૂચના માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા હતા. જોકે 10 મિનિટ સુધી જ ઝાપટું પડી વરસાદ એ વિરામ લીધો હતો. માવઠાને લઈ ખેડૂતો અને લગ્નસરના આયોજકો તેમજ યજમાનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આ અગાઉ પણ ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. અગાઉ ભારે વરસાદ અને વાવઝોડાના કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું હતું. તેમજ હવા પ્રદૂષણ અને પાછોતરા વરસાદમાં ભરૂચ જિલ્લાના ખેડૂતોને ફટકો પડયો હતો. હવે કમોસમી વરસાદને લઈ ઘઉં સહિતનો શિયાળુ પાક બગડવાની શકયતાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here