નર્મદા જિલ્લાના ગોરા ગામમાં પ્રાચીન તીર્થ શૂલપાણેશ્વર નજીક ભવ્ય ઘાટ બનાવવામાં આવ્યો છે. આ ઘાટ પર ગંગા અને યમુનાની જેમ નર્મદાની મહાઆરતી કરવામાં આવશે, જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રાજ્યના લોકોને ગંગા આરતીનો લ્હાવો લેવા માટે હરિદ્વાર સુધી જવાની જરૂર આ આરતીના પ્રારંભ બાદ નહીં પડે. અહીં ગંગા આરતી જેવી જ નિયમિત નર્મદા આરતી થશે.
નર્મદાના કેવડિયા કોલોની નજીક ગોરા ગામ પાસે પ્રાચીન શૂલપાણેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જે શૂલપાણેશ્વર તીર્થ તરીકે ઓળખાય છે. મૂળ શુલપાણેશ્વર મંદિર નર્મદા ડેમમાં ડૂબી ગયા બાદ વર્ષ 1994માં ગુજરાત સરકારે ગોરા પાસે શૂલપાણેશ્વર મહાદેવનું નવું મંદિર બનાવ્યું છે. ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રાચીન શૂલપાણેશ્વર મહાદેવના મંદિર પાસે શ્રાવણમાસમાં નર્મદાના પવિત્ર સ્નાન સાથે શૂલપાણેશ્વર મહાદેવના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે.
જુનું પ્રાચીન શૂલપાણેશ્વર મહાદેવ મંદિર 1994માં નર્મદા ડેમની ઉંચાઈ વધવાને કારણે સરદાર સરોવરમાં ડુબાણમાં ગયેલ છે.જ્યાં જુનું મંદિર હતું તેની નજીક જ ગુજરાત સરકારે નવું મંદિર બનાવ્યું છે. નવું મંદિર બનાવવામાં આવ્યું છતાં ભક્તોની શ્રદ્ધા અને આસ્થા ઓછી નથી થઇ. શૂલપાણેશ્વર મહાદેવની પ્રસિદ્ધિ ગુજરાતમાં નહિ પણ પાડોસી રાજ્યો મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,રાજસ્થાનમાં પણ છે, આ રાજ્યોમાંથી પણ ભક્તો પણ અહી આવે છે. આજ સૌથી મોટું કારણ છે કે નર્મદા મહાઆરતી માટે આ સ્થળની પસંદગી કરવામાં આવી છે.