ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રવિવારે બપોરે અબુ ધાબી ગ્રાઉન્ડ પર મેચ રમાઈ હતી. મેચ શરૂ થાય તેની ગણતરીના કલાકો અગાઉ આ ગ્રાઉન્ડના ચીફ પીચ ક્યુરેટર અને ભારતીય એવા મોહન સિંહનું શંકાસ્પદ મોત થતા ખળભળાટ મચી ગયો છે. યુએઈ ક્રિકેટના સૂત્રોના મતે મોહન સિંહનું દુઃખદ નિધન થયું છે. મોત પાછળનું કારણ જાણી શકાયું નથી. આ અંગે વિસ્તૃત માહિતી હવે પછી જાહેર કરવામાં આવશે. ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની મહત્વપૂર્ણ મેચ અગાઉ જ અબુ ધાબી ગ્રાઉન્ડના મુખ્ય પીચ ક્યુરેટરના મોતથી અનેક સવાલો ઉભા થયા છે.
મોહન સિંહ ગઢવાલના વતની હતા અને તેઓ અગાઉ બીસીસીઆઈના ચીફ ક્યુરેટર દલજીત સિંહ સાથે મોહાલીમાં કામ પણ કરી ચુક્યા છે. તેઓ 2000માં યુએઈમાં સ્થાયી થયા હતા અને અબુ ધાબી ગ્રાઉન્ડના મુખ્ય પીચ ક્યુરેટર તરીકે ફરજ બજાવતા હતા. રવિવારે તેનું શંકાસ્પદ મોત થયું હતું. આ અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું સૂત્રએ જણાવ્યંન હતું.
બોર્ડના મુખ્ય પીચ ક્યુરેટર દલજીત સિંહ 22 વર્ષથી સેવામાં છે અને તેમણે મોહનના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, તે એક હોશિયાર વ્યક્તિ હતો. મોહન સખત મહેનતું અને કુશળતા ધરાવતો યુવક હતો. કેટલાક સૂત્રના મતે આ આત્મહત્યા હોવાની આશંકા છે પરંતુ સમગ્ર હકિકત તપાસ બાદ જ જાણી શકાશે.
•સૌજન્ય: એજન્સી, અબુ ધાબી