વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર એક વીડિયો સંદેશ જારી કર્યો હતો. પીએમ મોદી હાલ 5 દિવસના ઈટાલીના પ્રવાસે છે. પીએમ મોદીએ કહ્યું કે, આપણે ત્યારે જ આગળ વધી શકીશું જ્યારે એકજૂટ થઇને રહીશું.
ભારતની સંસ્કૃતિ અને સમાજમાં વિકસિત લોકશાહીના મજબૂત પાયામાંથી એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના મજબૂત બને છે. પીએમ મોદીએ કહ્યું કે, સરદાર પટેલ હંમેશા ભારતને મજબૂત, સમાવેશી, સંવેદનશીલ, સતર્ક, નમ્ર અને પ્રગતિશીલ બનાવવા માંગતા હતા. તેમણે હંમેશા રાષ્ટ્રીય હિતને પ્રાધાન્ય આપ્યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે, ભારત માત્ર ભૌગોલિક ક્ષેત્ર નથી. તે આદર્શો, મૂલ્યો, સંસ્કૃતિ અને સંસ્કૃતિનું મિશ્રણ છે. 135 કરોડ ભારતીયો વસે છે, જે આપણા સહિયારા સપના અને આકાંક્ષાઓનો અભિન્ન હિસ્સો છે. આજે આખો દેશ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે, જેમણે એક ભારત શ્રેષ્ઠ ભારતના સપનાને સાકાર કરવા માટે સર્વસ્વ બલિદાન આપ્યું હતું. સરદાર પટેલ આપણા ઈતિહાસનો હિસ્સો નથી, પરંતુ આપણે બધા ભારતીયોના હૃદયમાં વસે છે.