અંકલેશ્વરના નાગલ ગામના તળાવમાં ઉતપન્ન થતા કમળ મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક અને મહાલક્ષ્મી મંદિરે ચઢાવવામાં આવે છે. દિવાળીના તહેવારોમાં અંકલેશ્વર તાલુકાના નાગલ ગામના તળાવમાં થતા કમળના પુષ્પો મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક અને મહાલક્ષ્મી માતાના મંદિરે અર્પિત થઈ રહ્યા છે.ગ્રામજનો તળાવમાંથી વીણી લાવેલા કમળ સુરતના વેપારી માત્ર 2 રૂપિયામાં ખરીદી જાય છે, જે મુંબઈમાં તહેવારોમાં રૂપિયા 200નું વેચાય છે.
સુરતના વેપારીઓ નાગલ ગામે આ કમળના પુષ્પો ખરીદવા શ્રાવણ માસ, ગણેશોત્સવ, નવરાત્રી અને દિવાળીના તહેવારો ટાણે આવે છે. ગ્રામજનોને પણ તળાવમાંથી કમળના ફૂલ વીણી સુરતના વેપારીઓને વેચવામાં નજીવો આર્થિક લાભ મળી રહે છે. જોકે, વેપારીઓ 2 રૂપિયામાં ખરીદતા કમળનું એક ફૂલ તહેવારોમાં મુંબઈના બજારમાં રૂપિયા 200માં વેચે છે.તળાવમાં ઉતરી એક કમળ દીઠ બે રૂપિયા જ મળતા હોવા છતાં ગામના યુવાનો ઉત્સાહભેર આ કામ કરી રહ્યાં છે. જેમાં તેઓની આસ્થા પણ જોડાઈ ગઈ છે. તેમના ગામ અને હાથથી તળાવમાંથી કાઢેલા ફૂલો ગણપતિ બાપા અને મહાલક્ષ્મીને સમર્પિત થઈ રહ્યાં છે તેની તેઓ ખુશી પણ વ્યક્ત કરી રહ્યા છે.