કન્નડ ફિલ્મના લોકપ્રિય સુપરસ્ટાર પુનિત રાજકુમારને વર્કઆઉટ દરમિયાન આજે, 29 ઓક્ટોબરના રોજ હાર્ટ-અટેક આવ્યો હતો. 46 વર્ષીય પુનિત રાજકુમારને બેંગલુરુની વિક્રમ હોસ્પિટલના ICU (ઇન્ટેસિવ કેર યુનિટ) વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જોકે ડૉક્ટર્સ તેને બચાવી શક્યા નહોતા. પુનિત રાજકુમાર એક્સર્સાઇઝ કરતાં કરતાં પડી ગયો હતો.
આજે સવારે 11.30એ જ્યારે પુનિત રાજકુમારને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ઘણી જ નાજુક હતી. હોસ્પિટલની બહાર ચાહકોની ભીડ ઊમટી પડી છે. ચાહકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.
પુનિત રાજકુમારની સારવાર કરનાર ડૉક્ટર રંગનાથ નાયકે ન્યૂઝ એજન્સીને કહ્યું હતું, ‘પુનિત રાજકુમારને શુક્રવાર સવારે 11.30 વાગે છાતીમાં દુખાવો ઊપડ્યો હતો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ઘણી જ ખરાબ હતી.’
પુનીતના પિતા રાજ કુમાર સાઉથ ઇન્ડિયન સિનેમાના આઇકોન હતા. તેઓ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પહેલા સ્ટાર હતા, જેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સન્માનિત કરાવમાં આવ્યા હતા. જુલાઈ, 2000માં ચંદન ચોર વીરપ્પને રાજકુમારનું અપહરણ કર્યું હતું.
પુનિત રાજકુમાર લોકપ્રિય સુપરસ્ટાર રાજકુમારનો દીકરો હતો. તેણે પોતાની કરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે 1985માં ફિલ્મ ‘બેટ્ટાડા હોવુ’થી કરી હતી. આ ફિલ્મ માટે પુનિતને ચાઇલ્ડ આર્ટિસ્ટનો નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો હતો.