સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ આંબલી ડેમમાં નાવડી પલટી જતા 10 લોકો ડૂબી જવાની દુર્ઘટના બની હતી. જેમાં બે ના મૃતદેહ મળી આવ્યા હતા. ત્રણ નો બચાવ કરાયો હતો. જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓ ની શોધખોળ શરૂ કરાઇ હતી.
સુરત જિલ્લા ના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકા માં આ ગોઝારી ઘટના બનવા પામી હતી. માંડવી ના દેવગીરી ગામની ૬ મહિલા સહિત ૧૦ વ્યક્તિ આજરોજ સવારના સમયે પશુઓ માટે ઘાસચારો લેવા નાવડીમાં બેસી આમલી ડેમના સરોવરમાંથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક નાવડી પલટી જતા અંદર બેસેલા લોકો પણ ડેમના ઊંડા પાણીમાં ખાબક્યા હતા. નાવડી પલ્ટી જતા ૧૦ પૈકી ૩ મહિલાઓ તરીને સુરક્ષિત કિનારે આવી ગઇ હતી. જ્યારે ૭ વ્યક્તિઓ ડૂબી ગયા હતા. જેમાં બે મહિલા ના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટના બાબતે સ્થાનિક અધિકારીઓ સાથે સાંસદ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર તેમજ માંડવી નગરપાલિકા, બારડોલી નગરપાલીકા અને સુરત મહાનગર પાલિકાની ફાયર ટીમ સ્થળ પર પહોંચી હતી. અને બોટની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. હાલ દેવગીરી ગામ નિજ દેવનીબેન વસાવા અને ગિમલીબેન વસાવા નામની બે મહિલા ના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે અન્ય પાંચની શોધખોળ હજી ચાલી રહી છે. ડૂબનારાઓમાં ૪ મહિલા અને ૩ પુરૂષનો સમાવેશ થાય છે અને તે તમામની ઉંમર ૫૫ થી ૬૫ વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે.