•મહિલાએ ભરૂચના ફાઇનાન્સર સામે છેતરપીંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના રહાડપોર ગામની આશિયાના પાર્ક સોસાયટીમાં રહેતી એક મહિલા પાસેથી ઉછીના અને પ્લોટના દસ્તાવેજો બનાવી રૂપિયા ૨૪ લાખની છેતરપિંડી કરતાં ભરૂચના ફાઇનાન્સર સામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.
વાગરાના રહાડપોર ગામની આશિયાના પાર્ક સોસાયટીમાં રહેતી કવિતાબેન ઉમેશભાઈ કાશીનાથને બે વર્ષ અગાઉ ભરૂચના નંદેલાવ રોડ ઉપર આવેલ આશીર્વાદ પાર્ક સોસાયટીમાં રહેતા સપનકુમાર તેજસકુમાર દવે સાથે પરિચય થયો હતો. જેઓ ખાનગી ફાઇનાન્સ કંપનીમાં વેપાર કરે છે અને સાથે જમીન લે વેચનું કામ પણ કરે છે, તેમણે મહિલા અને તેના પતિને વિવિધ સ્થળોએ મકાન અને જમીન બતાવી પરિચય કેળવી ઉછીના પેટે અલગ અલગ રીતે ૧૪ લાખ રૂપિયા ખંખેરી લીધા હતા.
જે બાદ વાગરા તાલુકાનાં ગામતળા બહાર પાડેલ પ્લોટના બાનાખાતા લખી આપ્યા બાદ ટાઇટલ ક્લીયરન્સ કર્યા પછી વેચાણ દસ્તાવેજ કરી આપવાનું જણાવી કુલ ૨૪ લાખ રૂપિયા લઈ પ્લોટ નહીં આપતા મહિલાને છેતરપિંડી કરી હોવાનું જણાતા મહિલાએ છેતરપીંડી કરનાર ભરૂચના ફાઇનાન્સર વિરુદ્ધ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.