વૈષ્ણવ દેવી મંદિર નાસભાગમાં ૧૨ શ્રદ્ધાળુઓના મોત થયા છે અને ૧૪ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે નાસભાગ મચી હતી. આ ઘટના ત્રિકુટા પહાડીઓ પર સ્થિત મંદિરના ગર્ભગૃહની બહાર બની હતી. આ અકસ્માત અડધી રાત્રે થયો હતો.
આ નાસભાગમાં રાજપીપળા જોષી પરિવારના ૬ સભ્યો પણ ફસાયા હતા. જોકે એ તમામ લોકો હેમખેમ રીતે નીચે ઉતરવામાં સફળ રહ્યા હતા. રાજપીપળાના જોશી પરિવારના સભ્યો ૨૭ મી ડિસેમ્બરે અમદાવાદથી વૈષ્ણવ દેવી મંદિરે જવા નીકળ્યા હતા. ૩૧મી ડિસેમ્બરે રાત્રે તેઓ વૈષ્ણવદેવી મંદિરે જવાના રસ્તે પહોંચ્યા હતા દરમિયાન આ ઘટના બની હતી.
આ ઘટનાને નજરે નિહાળનાર પાર્થ જોશીએ જણાવ્યું હતું કે આ ઘટના ઘટી ત્યારે અમે મંદિરથી ૫૦૦ થી ૭૦૦ મીટર જ દૂર હતા. મંદિરે આવવાના રસ્તે પબ્લિક ઉતરી રહી હતી અને જવાના રસ્તે પબ્લિક ઉપર ચઢી રહી હતી. જેથી લોકો વચ્ચે અથડામણ થતી હતી, દરમિયાન કોઈક લોકો વચ્ચે મગજમારી થઈ હતી અને લોકોએ બુમાંબૂમ કરતા નાસભાગ મચી ગઇ હતી. આ નાસભાગમાં મેં ઘણા લોકોને મૃત્યુ પામતા અને ગંભીર ઘાયલ થતા પણ જોયા છે. મંદિર પરિસરમાં વ્યવસ્થાનો મોટો અભાવ જોવા મળ્યાનું પણ તેણે જણાવ્યું હતું.