નર્મદા જિલ્લાની સાગબારા પોલીસે વન્ય પ્રાણીના ચામડાની તસ્કરીનો પર્દાફાશ કર્યો છે.મહારાષ્ટ્ર તરફથી આવી રહેલી લકઝરી કાર માંથી એક ઇસમને વાઘ જેવા વન્ય પ્રાણીનું ચામડા સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે વન વિભાગનું કામ પોલીસે કરતા સાગબારા વન વિભાગ ઊંઘતુ ઝડપાયું છે.
નર્મદા જિલ્લાના સાગબારા નજીકની મહારાષ્ટ્ર બોર્ડર પર ગેરકાયદેસર પ્રવૃતિઓ રોકવા સાગબારા પોલીસ ધનસેરા ચેક પોસ્ટ પાસે વોચ રાખી વાહન ચેકીંગ કરી રહ્યા હતા.સાગબારા પી.એસ.આઈ કે.એલ.ગલચળ સહિત પોલીસ ટિમની વોચ દરમિયાન મહારાષ્ટ્ર તરફથી આવતી એમએચ 19 સીવી 3112 નંબરની ટાટા હેરિયર શંકાસ્પદ જણાતા પોલીસે એને રોકવાની કોશિસ કરી હતી ત્યારે ચાલક ડેડીયાપાડા તરફ ભાગવા લાગ્યો હતો.સાગબારા પોલીસ ટીમે ફિલ્મી ઢબે એનો પીંછો કરી કારની પકડી પાડી હતી.
પોલીસને કારની ડીકીમાંથી વાઘ જેવા વન્ય પ્રાણીનું સૂકું ચામડું મળી આવ્યું હતું.પોલિસ પૂછપરછમાં મહારાષ્ટ્ર ધૂલીયાના 34 વર્ષીય કિશોર ભટ્ટ આહીરને 15 લાખ રૂપિયાની લકઝરી કાર, 10,000 રૂપિયાના 2 નંગ મોબાઈલ અને 47,485 રૂપિયા રોકડા મળી કુલ 15,57,485 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સાગબારા પોલીસે મહારાષ્ટ્રના એક ઈશમને વાઘ જેવા વન્યપ્રાણીના ચામડા સાથે ઝડપી પાડ્યો છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એ વ્યક્તિ વાઘનું ચામડું દેવમોગરા ખાતે લાવી રહ્યો હતો.સાથે સાથે જેમ આંધળી ચાકણનો ઉપયોગ તાંત્રિક વિધિ માટે થાય છે એવી રીતે આ વાઘના ચામડાનો ઉપયોગ પણ તાંત્રિક વિધિ માટે થવાનો હતો અને વાઘનું ચામડું વિધી માટે ભાડે આપતો હોવાનું જાણવા મળ્યું છે.