•કોંગ્રેસના સહકાર પેનલના પદ્યુમ્ન સિંધા અને ભાજપના કોરોના યોદ્ધા પેનલના અજબખાન સિપાઈ બન્નેવને મળ્યા 271 મત જ્યારે 13 વોટ રદ્દ થયા હતા

ભરૂચ કોર્ટમાં જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના 2 પ્રમુખ પદના ઉમેદવારોને સરખા સરખા 271 મત મળતા ટાઈ પડી હતી. બન્નેવ વકીલ ઉમેદવારોએ ચિઠ્ઠી ઉછાળવાની ના પાડી એક વર્ષ સાથે રહી જિલ્લા બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે સુકાન સંભાળવા સહમતી દર્શાવી હતી.

ભરૂચ જિલ્લા બાર એસોસિયેશનની વર્ષ 2021-22 ની ચૂંટણી શુક્રવારે બાર રૂમમાં યોજાઈ હતી. પ્રમુખ પદ માટે ગત ટર્મના પ્રમુખ અને કોંગ્રેસી પદ્યુમ્નસિંહ સિંધા અને ભાજપના અજબ સિપાઈ તેમની પેનલો સાથે ચૂંટણી જંગમાં ઉતર્યા હતા.મતદાન માં બપોરે 3 વાગ્યા સુધી કુલ 689 વકીલો પૈકી 573 એ મતદાન કરતા 83 ટકા જેટલું ઊંચું અને જંગી મતદાન નોંધાયું હતું. જે બાદ સાંજે 4.30 વાગ્યા પછી મતદાન પૂર્ણ થતાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. દર વખતે ભરૂચ જિલ્લા બાર એસોસિયેશનની ચૂંટણીમાં પહેલા પ્રમુખના મતોની ગણતરી કરાતી હતી.

જોકે આ વખતે વકીલ મંડળના સભ્યો પછી સેક્રેટરી બાદમાં ટ્રેઝરર, પછી ઉપ પ્રમુખ અને અંતે પ્રમુખ ઉમેદવારોને મળેલા વોટનું કાઉન્ટીગ શરૂ કરાયું હતું.પ્રમુખ પદ માટે ગત ટર્મના પ્રમુખ પદ્યુમ્નસિંહ સિંધા સહકાર પેનલ અને અજબખાન સિપાઈ કોરોના યોદ્ધા પેનલ સાથે ચૂંટણીમાં ઝપલાવતાં શરૂઆતથી જ રસાકસી જોવા મળી હતી.જ્યારે ઉપપ્રમુખ માટે 4 ઉમેદવારો, સેક્રેટરીની 2 જગ્યા માટે પણ 4 વકીલો અને ટ્રેઝર માટે 2 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝપલાવ્યું હતું. જ્યારે 11 સભ્યો માટે 21 વકીલોએ દાવેદારી નોંધાવી હતી. મતદાન પૂર્ણ થયા બાદ મોડી સાંજે મતગણતરી બાદ પરિણામો જાહેર કરાયા હતા.

ભરૂચનું નવું જિલ્લા ન્યાયાલય 2002થી નિર્માણ પામ્યું છે. છેલ્લા 20 વર્ષ કે ત્યાર અગાઉમાં વકીલ મંડળની ચૂંટણીમાં ક્યારેય ન બનેલી ઘટના આજે બનતા ઇતિહાસ સર્જાયો હતો. બન્ને પ્રમુખ પદના ઉમેદવારોના મતોની ગણતરીમાં 13 મત રદ થયા હતા. જ્યારે બન્નેને સરખા સરખા 271 મત મળતા પ્રમુખ માટે ટાઈ પડી હતી. જેના માટે નિયમ મુજબ ચિઠ્ઠી ઉછાળી વિજેતા પ્રમુખ જાહેર કરવાના હતા.

જોકે કોંગ્રેસના પદ્યુમ્ન સિંહ સિંધા અને ભાજપના અજબખાન સિપાઈએ ખેલદિલી બતાવી હતી. તેઓએ ચિઠ્ઠી ઉછાળવાની ના પાડતા જ ઇતિહાસ સર્જી દીધો હતો. બન્ને પ્રમુખોએ સહમતી દાખવી એક વર્ષની ટર્મ માટે એકબીજાના સહકારથી પ્રમુખ પદ સંભાળવાનું નક્કી કર્યું હતું. ત્યારે ભરૂચ જિલ્લા વકીલ મંડળના પ્રમુખ તરીકે ભાજપ અને કોંગ્રેસ બન્ને સત્તારૂઢ થયા હોવાની પેહલી ઘટના આજે બની છે.

બીજી તરફ ઉપપ્રમુખ તરીકે 290 વોટ સાથે ભરતસિંહ ચાવડા, સેક્રેટરી તરીકે દિનેશ પટેલ જોઈન્ટ સેક્રેટરી તરીકે હિમાંશ પટેલ વિજયી થયા હતા. પદ્યુમ્નસિંહ સિંધની સહકાર પેનલના મોટા ભાગના વકીલ સભ્યોનો ચૂંટણીમાં વિજય થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here