ભરૂચ તાલુકામાં આવેલાં ઝંઘાર ગામે ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ગામમાં મહિલા સરપંચની ઉમેદવારના ઘરની બહાર તેમના ટેકેદારો બેઠા હતાં. ત્યારે ગામનો એક માથાભારે ઇસમ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેમને અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં. સાથે તેણે મહિલા સરપંચના મહિલા ઉમેદવારન સાડી ખેંચવા સાથે તેને તેના પતિ સહિતનાઓ ઉપર ચપ્પુ વડે હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છુટ્યો હતો.આ બનાવ સંદર્ભે નબીપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ભરૂચ તાલુકામાં આવેલાં ઝંઘાર ગામે નવી નગરી વિસ્તારમાં રહેતી અને ખેતમજુરી કરતી ટીનીબેન રાજેશ વસાવાએ ચાલુ વર્ષે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનુસુચિત જનજાતીની સીટ હોઇ તેઓ સરપંચના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. ગત રાત્રીના સમયે તેમની ઘરની બહાર ગામના સિકંદર યુસુફ માસ્તર, વિજય વસાવા, ઇકરામ કોકરીયા સહિતના આગેવાનો બેઠાં હતાં. તે વેળાં ગામમાં જ રહેતો અને માથાભારે ઇસમ સોહેલ નુરમહંમદ ઇબ્રાહીમ દિલીપ ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે સિકંદરને તું કેવો સરપંચ બનીશ હું તને જોઇ લઇશ તેવી ધમકીઓ આપી અપશબ્દો ઉચ્ચારી ત્યાંથી જતો રહ્યો હતો.
થોડીવાર બાદ પુન: આવી સરપંચના ઉમેદવાર ટીનીબેન વસાવા સહીતનાઓને જાતિ વિષયક તેમજ અપશબ્દો ઉચ્ચારતાં તેને ટોકતાં તેણે ટીનીબેનની સાડી ખેંચવાનો પ્રયાસ પણ કર્યો હતો. ઉપરાંત તેના પતિ તેમજ અસ્માબેન સહિતનાઓને માર માર્યાં બાદ સોહેલે ઉમેદવાર ટીનીબેનના પતિ રાજેશ તમજ અસ્માબેન પર ચપ્પુથી હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયાં હતાં. આ બનાવ સંદર્ભે નબીપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.