ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ આર પી ઇન્ડસ્ટ્રીઝમાં ગત રાત્રીના સમયે અચાનક ઉત્પાદન પક્રિયા દરમિયાન બ્લાસ્ટ થતા ભારે નાસભાગ મચી જવા પામી હતી.
આ બ્લાસ્ટમાં ઉત્પાદન પક્રિયા દરમિયાન આસપાસ કામ કરી રહેલ ૫ જેટલા કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક કામદારનું મોત નીપજ્યું હતું.
કેમિકલ કંપનીમાં રાતે દોઢથી 2 કલાક દરમિયાન ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે એકાએક પ્રેશર વધી જતાં રીએક્ટર પ્રચંડ ધડાકા સાથે ફાટતા આગ સાથે અફરાતફરી મચી ગઇ હતી. નોટિફાઇડ એરિયા અને અન્ય કંપનીના ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનામાં મૂળ બિહારના અને હાલ સંજાલી રહેતા 25 વર્ષીય સંતોષ લખન તાતીનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે પ્લાન્ટમાં કામ કરતા અને હાલ અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે જ રહેતા 5 કામદારો અવની ચંદ્રદેવ શર્મા, મુન્શી જગલ કિશકુ, મન્ના ભગવાન પૈદાર, બાબુચંદ ટુડુ અને રામનાથ મીશ્રીલાલ યાદવને ઇજાઓ પોહચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ સાથે અંકલેશ્વર રૂરલ પોલીસે દોડી આવી ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. ફેકટરી ઇન્સ્પેકટર દ્વારા દુર્ઘટના સ્થળની મુલાકાત કર્યા બાદ કર્યા કારણોસર ઘટના બની તે બહાર આવી શકશે. હાલ તો અંકલેશ્વર તાલુકા પોલીસે અકસ્માતે મોતનો જાણવા જોગ ગુનો નોંધી તપાસ આરંભી છે. ઘટના પાછળ કૃત્રિમ કે કુદરતી ક્ષતિ કારણભૂત હતી તેની પણ તપાસ ચલાવવામાં આવશે. દુર્ઘટનગ્રસ્ત પ્લાન્ટને હાલ બંધ કરી દેવામાં આવ્યો છે.ઘટનાના પગલે અંકલેશ્વર રૂરલ પોલીસ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા મામલા અંગેની તપાસ શરૂ કરવામાં આવી હતી.