વિશ્વ ભરમાં કોરોનાનો ઓમીક્રોન વેરિયન્ટ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભારત સહિત ગુજરાતમાં પણ વેરિયન્ટને લઈ ચિંતા વધી છે. જેને લઈ આગામી જાન્યુઆરી માસમાં ફ્લાવર શો કે કાંકરિયા કાર્નિવલ આયોજિત કરવા કે નહીં તેની મથામણ કોર્પોરેશનમાં ચાલી હતી. મહાનગપાલિકામાં યોજયેલી રિક્રિએશન કમિટીમાં કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં સતત બીજા વર્ષે પણ 25થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાતો કાંકરિયા કાર્નિવલ નહીં યોજવાનો નિર્ણય કર્યો છે.
ગત વર્ષે તો કોરોનાના કારણે કાંકરિયા કાર્નિવલ રદ કરવામાં આવ્યો હતો. આ વખતે પણ કોરોનાની દહેશત વચ્ચે કાંકરિયા કાર્નિવલનું આયોજન પડતું મુકાયું છે. જ્યારે ફ્લાવર શો યોજવો કે નહીં તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કમિટીમાં ગહન ચર્ચા થઈ હતી. જો કોરોનાના કેસો નહીં વધે તો અમદાવાદમાં આ વર્ષે 1 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ફ્લાવર શો યોજાશે તેવું નક્કી કરાયું છે.