•ખાસ ઝુંબેશમાં રસીકરણ કરાવનાર દરેક લાભાર્થીને પ્રોત્સાહન માટે “યુવા અનસ્ટોપેબલ સંસ્થા” ધ્વારા એક લિટર ખાધ તેલનું મફતમાં વિતરણ કરાયું
સરકાર દ્વારા કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ ચાલુ છે જે અન્વયે ભરૂચ જિલ્લાના તમામ તાલુકામાં કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ કાર્યરત છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર તુષારભાઇ સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં આજે કુલ ૯૧ રસીકરણ કેન્દ્રો ખાતે કોવિડ-૧૯ વેકસીનેશનના ડોઝ આપવાનું આયોજન કરેલ છે. જેના ભાગરૂપે વાલીયા તાલુકામાં આજે સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં ૧૦૯૭૮ વેક્સીનેશનના ડોઝ અપાઈ ગયા છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરાએ જણાવ્યું હતું.
આજરોજ વેક્સીનનો પ્રથમ તેમજ બીજો ડોઝ લેનાર વ્યક્તિને વિનામૂલ્યે ૧ લીટર ખાદ્યતેલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ ધ્વારા વાલીયા તાલુકામાં ૯૧ જેટલાં વેક્સીનેશન સેન્ટરો ઉભા કરી વેક્સીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોબાઈલ ટીમો ધ્વારા પણ વાલીયા તાલુકામાં વેક્સીનનો ડોઝ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા વેક્સીનનો પ્રથમ અને બીજો ડોઝ લેનારને વિનામૂલ્યે ૧ લીટર ખાદ્યતેલનું વિતરણ કરાયું હતું. ભરૂચ જિલ્લામાં ૯૭% લોકોને વેક્સીનનો પ્રથમ ડોઝ અપાઈ ગયા હોવાનું પણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.