ભરૂચ શહેરના દાંડિયાબજાર સ્થિત વડતાલ સંચાલિત સ્વામિનારાયણ મંદિરે 200 વર્ષ જૂની પરંપરા મુજબ રવિવારે યોજાયેલા ભવ્ય શાકોત્સવમાં ભક્તોએ ભાવભેર રીંગણનું શાક અને બાજરીના રોટલાના જમણની પ્રસાદી આરોગી હતી. સાથે જ મંદિરમાં સ્થાપિત પ્રાચીન ભગવાન રેવતી, બળદેવ અને શ્રીકૃષ્ણની પ્રતિમાઓના દર્શન કર્યા હતા.
ભરૂચ દાંડિયાબજાર સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ જણાવ્યું હતું કે, 200 વર્ષ પૂર્વે ભગવાન શ્રીહરિએ લોયાના સુરાખાચરના દરબારમાં ભવ્ય શાકોત્સવ ઉજવ્યો હતો. જેમાં શ્રીહરિએ સ્વહસ્તે રીંગણનું શાક બનાવી નંદસંતો – હરિભક્તોને પ્રેમ ભાવથી રીંગણનું શાક અને રોટલા જમાડી ખૂબ રાજી કર્યા હતા. આ પરંપરા આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલી આવી છે.
દર વર્ષે શિયાળાની ઋતુમાં સંપ્રદાયમાં શાકોત્સવ ઉજવાઇ રહ્યો છે. આજે મંદિરમાં ભવ્યાતિભવ્ય રીતે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે મંગળા આરતી બાદ શ્રીહરિકૃષ્ણ મહારાજની મૂર્તિને રસોઇયાના વસ્ત્રો પહેરાવી ભગવાન જાતે રીંગણાનું શાક બનાવી રહ્યા હોય તેવું આબેહુબ દ્રશ્ય ઉભુ કરવામાં આવ્યું હતું.
જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી લોયાના શાકોત્સવની યાદ તાજી કરી હતી. ભગવાન શ્રીહરિને સમૈયા બહુ પ્રિય હતા. જેમાં લોયાનો શાકોત્સવ ઉજવાય છે. ભગવાન શ્રીહરિએ રીંગણાનું શાક બનાવી શાકભાજીમાં રીંગણનું મહત્વ વધારી દીધું છે. ભરૂચમાં આજે 80 કિલો રીંગણા, 50 કિલો બાજરીના રોટલા અને 10 ડબ્બા શુદ્ધ ઘીમાંથી ઉજવાયેલા શાકોત્સવના પ્રસાદનો લાભ મોટી સંખ્યમાં હરિ ભક્તોએ લઇ ધન્યતા અનુભવી હતી.