• વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, માતા વૈષ્ણોદેવી ભવનમાં નાસભાગમાં લોકોના મોતથી ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સાજા થાય.
વૈષ્ણો દેવી ભવનમાં ભાગદોડમાં 12 શ્રદ્ધાળુઓના મોત થયા છે. જાનહાનિ વધવાની આશંકા છે. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગે જણાવ્યું કે આ નાસભાગમાં 12 લોકોના મોત થયા છે અને 13 લોકો ઘાયલ થયા છે. બચાવ કાર્ય ચાલુ છે, ભાગદોડની ઘટના સામાન્ય થયા બાદ વૈષ્ણો દેવીની યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરમાં નવા વર્ષ નિમિત્તે માતા વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગના સમાચાર સામે આવ્યા છે. એવી માહિતી છે કે આના કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે, જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના ત્રિકુટા હિલ્સ પર સ્થિત મંદિરના ગર્ભગૃહની બહાર બની હતી.
અધિકારીઓએ જણાવ્યું કે નવા વર્ષની શરૂઆત નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા છે. દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. વરિષ્ઠ અધિકારીઓ અને શ્રાઈન બોર્ડના અધિકારીઓ સ્થળ પર હાજર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘણા લોકો મૃત મળી આવ્યા હતા અને તેમના મૃતદેહોને ઓળખ અને અન્ય કાનૂની ઔપચારિકતા માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ઓછામાં ઓછા 26 અન્ય લોકોને માતા વૈષ્ણોદેવી નારાયણ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ (Mata Vaishno Devi Hospital) સહિત અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાય ઘાયલોની હાલત ગંભીર ગણાવવામાં આવી છે.
જમ્મુ અને કાશ્મીરના કટરા સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રના બ્લોક મેડિકલ ઓફિસર ડૉ. ગોપાલ દત્તે જણાવ્યું છે કે, માતા વૈષ્ણોદેવી ભવનમાં નાસભાગને કારણે 12 લોકોના મોત થયા છે અને ઘાયલોને નારાયણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મૃતકોમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના લોકોનો સમાવેશ થાય છે. આ મામલે વધુ માહિતી મેળવવાની રાહ જોવાઈ રહી છે. તેમજ યાત્રા રોકી દેવામાં આવી છે.
પીએમઓ વતી, ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે નાસભાગમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.