ભારતના સ્વતંત્રતાની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે “આઝાદીકા અમૃત મહોત્સવ” અન્વયે હાથ ધરાયેલ પાંચ દિવસીય “નદી ઉત્સવ” ઉજવણીના ભાગરૂપે સિંચાઇ વિભાગ દ્વારા આજે સમાપન સમારોહમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમીતભાઇ ચાવડા, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીઆ,નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, સહિત આગેવાન પદાધિકારીઓ-અધિકારીઓ અને શહેરીજનોની ઉપસ્થિતિમાં નર્મદા મૈયાના સાન્નિધ્યમાં નર્મદા પાર્ક – ભરૂચ ખાતે નર્મદા આરતી તથા પુજાવિધિના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુક્યો હતો. આ પ્રસંગે નદીઓની પવિત્રતા અને સ્વચ્છતા જાળવવા તથા પ્લાસ્ટિક મુક્ત બનાવવાના સૌએ સંકલ્પ લીધા હતા.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે નદી ઉત્સવની ઉજવણી ગુજરાતની સાબરમતી, તાપી અને ગરૂડેશ્વર અને ભરૂચ નર્મદા નદીના તટે અનેકવિધ કાર્યક્રમો થકી નદીઓને ઉજાગર કરવાનું કામ રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણા સહુની પણ એટલી જ જવાબદારી છે કે નદીઓને સ્વચ્છ રાખીએ. તેનું જતન કરવા ઉપરાંત તેની જાળવણી કરવા જણાવ્યું હતું. નિલકંઠેશ્વર મંદિર ભરૂચની એક પવિત્ર જગ્યા છે અને મા નર્મદા નદીના દર્શન કરવાથી ધન્યતાની અનુભુતિ થતી હોય છે.
નર્મદા નદી એ ગુજરાતની જીવાદોરી સમાન છે તેમ જણાવી પટેલે આવનાર દિવસોમાં ભાડભૂત બેરેજ યોજના નિવિધ્ને સંપન્ન્ન થાય બંને કાંઠે નર્મદાનો કાંઠો છલોછલ ભરાયેલો રહે તેવી પ્રાર્થના કરી હતી. નદી ઉત્સવના પાંચ દિવસના સુંદર આયોજનને બિરદાવી આ તકે ભરૂચવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે નર્મદા પાર્ક- ભરૂચ ખાતે સિંચાઇ વિભાગના ધ્વારા આયોજીત કાર્યક્રમમાં સંસ્કૃત પાઠશાળાના વિધાર્થીઓ ધ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ, નગરપાલિકાના પ્રમુખ અમીતભાઇ ચાવડા, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીઆ, સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી, મનન આશ્રમના સ્વામી, સંતો – મહંતો તથા આગેવાન પદાધિકારીઓએ નર્મદા મૈયાની પુજાપાઠ કર્યા બાદ સંધ્યા મહા આરતી, દીપોત્સવ, રીવર મશાલમા સહભાગી બન્યા હતા. આ પ્રસંગે ૧૧૦૦ દિવા, ૭પ આરતી અને ૭પ મશાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે જાનકી મીઠાઇવાલા કલાવૃંદ ધ્વારા નર્મદા આરતી, નર્મદા અષ્ટકમ સહિત મા નર્મદાના ગીતો રજુ કર્યા હતા.
આ પ્રસંગે તપોવન સંસ્થાના પ્રમુખ દિનેશભાઇ પંડયા, પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ, સિંચાઇ વિભાગના ઉચ્ચાધિકારીઓ, મુખ્ય અધિકારી સંજય સોની, જિલ્લા પંચાયત- તાલુકા પંચાયતના સદસ્યો, ભોલાવ, ઝાડેશ્વર ગામના સરપંચશ્રીઓ, આગેવાન પદાધિકારીઓ, નગરપાલિકાના હોદેદારો, નગરજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા..