• અન્ય કંપનીમાં ચાલી રહેલા કન્સ્ટ્રક્શનના ૬ કામદારોને અસર થતા જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડાયા
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી અમલ લિમિટેડ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ગાસ્કેટમાંથી ગેસ લીક થતા કંપનીની પાછળ ચાલી રહેલા અન્ય કંપનીના કન્સ્ટ્રકશનનું કામ કરતા ૬ જેટલા કામદારોને અસર થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે ગેસ લિકેજથી કામદારોમાં દોડધામ જરૂર મચી ગઇ હતી.
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગેસ લિકેજની ઘટનાથી અફડાતફડી મચી ગઇ હતી. અંકલેશ્વર જીઆઇડીસીની અમલ લિમિટેડ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન ગાસ્કેટમાંથી સલ્ફર ડાયોક્સાઇડ નામનો ગેસ લીક થયો હતો.
હવાની દિશાના કારણે ગેસ કંપનીના પાછળના ભાગે વછૂટ્યો હતો. જેના પગલે અમલ કંપનીના પાછળના ભાગે આવેલા ટેગરોસ કંપનીમાં કન્સ્ટ્રકશનનું કામ કરતા રાહુલ શર્મા, બિસ્વાલ ભગીરથી, રાજુ ઠાકોર, ધર્મેન્દ્ર કુમાર સહીત અન્ય 2 કામદારોને ગેસની અસર થઇ હતી. ગેસની અસરથી ૬ કામદારોનું સ્વાસ્થ્ય જોખમાતા તેમને સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા ફેક્ટરી એન્ડ હેલ્થ વિભાગની ટીમ અને જીઆઇડીસી પોલીસના કાફલાએ દોડી આવી તપાસ હાથ ધરી હતી.