હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી તેના આખરી પડાવમાં છે.ત્યારે પ્રચારના પડઘમ શાંત થાય એ પહેલા જ ભરૂચ તાલુકાના બંબુસર ગામ શોકમગ્ન બની હિબકે ચઢ્યું છે.
આ ગામમાં 20 વર્ષ પહેલા ચૂંટણી જંગ ખેલાયો હતો. પણ હાલ ચૂંટણી માટે મતદાન થાય એ પહેલા જ બે દાયકાથી બિનહરીફ રહેતા સરપંચના ઉમેદવારનું હાર્ટ એટેકથી અચાનક મોત નિપજતા બંબુસર ગામમાં ગમગીની ફેલાવા પામી છે. .
ભરૂચ તાલુકામાં 1200 લોકોની વસ્તી ધરાવતા ગામ બંબુસર ખાતે છેલ્લા 20 વર્ષથી કોઇ ચૂંટણી યોજાઈ નથી.કારણ કે બંબુસરના ગામ લોકો છેલ્લી ચાર ટર્મથી ઉસ્માનભાઈ ઈસપભાઈ પટેલને જ બિનહરીફ તરીકે ચૂંટતા હતાં અને તેઓ દ્વારા પણ ગામમાં એન્ટરન્સ ગેઇટ હોયા કે હોય પેવરાબ્લોક નાંખવાના કે રોડ રસ્તા ગટર સહિતની અનેક સુવિધાઓના વિકાસના કામો તેમણે તેમની 20 વર્ષની સરપંચની કારકિર્દી દરમિયાન કર્યા હતા.
પરંતુ આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અલગ જ સમીકરણો હતાં.બંબુસર ગામે 20 વર્ષ પછી ફરી ચૂંટણીનું વાતાવરણ ઉભુ થયુ હતું.જેમાં સરપંચના ઉમેદવાર તરીકે ઉસ્માનભાઈની સામે સઈદ સુલેમાન વલી પટેલે ઉમેદવારી નોંધાવી હતી.
વિકાસશીલ પેનલમાંથી ઉમેદવારી કરનાર ઉસ્માનભાઈ આજે જુમ્માની નમાઝ અદા કરવા મસ્જીદમાં ગયા હતા. નમાઝ પઢતી વખતે જ તેમને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યુ હતું.મતદાન થાય તે પહેલાં જ સરપંચ પદના ઉમેદવાર ઉસ્માનભાઈએ ફાનિ દુનિયાને અલવિદા કહેતા આખુ ગામ ઘેરા શોકમાં ડૂબ્યું છે.