ઊંઝાના ધારાસભ્ય આશા પટેલનું નિધન થયાં દુખદ સમાચાર સામે આવ્યા છે. તેઓ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ડેન્ગ્યુની બીમારી બાદ તેમની હાલત વધુ લથડી હતી. તેમજ મલ્ટી ઓર્ગન ડેમેજના કારણે આશા પટેલનું નિધન થયાની માહિતી સામે આવી છે.
ડેન્ગ્યુ થયા બાદ આશાબેનને બે દિવસ ઊંઝાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેઓ સારવાર હેઠળ હતા. જણાવી દઈએ કે તેઓ દિલ્હીથી 7 તારીખે આવ્યા હતા. ત્યાર બાદ તેમને ડેન્ગ્યુ થયો હતો. તો બે દિવસ પહેલા તબિયત વધુ લથડતા ઝાયડ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યારથી લીવર ડેમેજ થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડો.આશાબેન પટેલના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરીને શ્રદ્ધાંજલી પાઠવી છે. ભૂપેન્દ્ર પટેલે ડો.આશાબેન પટેલે જન પ્રતિનિધિ તરીકે જનસેવા સાથે લોક પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહીને આપેલી સેવાઓની સરાહના કરી. તેમણે આશાબેનના આત્માની શાશ્વત શાંતિની પ્રભુ પ્રાર્થના પણ કરી.
ઊંઝાના ધારાસભ્ય આશા પટેલની સ્થિતિ નાજૂક હોવાના સમાચાર સવારે આવ્યા હતા. તો તેઓ આજે ત્રીજા દિવસે પણ વેન્ટિલેટર પર હતા. જણાવી દઈએ કે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં આશા પટેલની સારવાર ચાલી રહી હતી. ગઈકાલે CM, બ્રિજેશ મેરજા, સહિત અનેક નેતાઓએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તો બીજી તરફ ઝાયડસ હોસ્પિટલે આશા પટેલ બાબતે ચર્ચાતી અટકળોને નકારી કાઢી છે. પરંતુ બીમારીને કારણે તેઓ આજે દુનિયા છોડી ગયા છે.
અહેવાલો અનુસાર ડેન્ગ્યુથી આશાબેનને મલ્ટી ઓર્ગન ફેલીયોર થયું હતું. જેમાં આશાબેનના હાર્ટ, ફેફસા કિડની લીવર તેમજ કિડનીને વધુ અસર થઇ હતી. ઝાયડસ હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. વી એન શાહના જણાવ્યા અનુસાર હાલ તેમને કૃત્રિમ શ્વાસોશ્વાસ પર રાખવામાં આવ્યા હતા. તેમજ આશાબેનના શરીરના તમામ અંગો લાઇફ સપોર્ટ સિસ્ટમ પર ચાલી રહ્યા હોવાનું ડૉક્ટરોએ સ્વીકાર્યું હતું.આ ઉપરાંત આશા પટેલના મોટા ભાગના અંગો ફેલ થયા હતા. આવા સંજોગોમાં રિકવરીના ચાન્સ બહુ ઓછાં હોય છે. જ્યારે તેમને બચાવવાના તમામ પ્રયત્નો થઇ રહ્યા હતા.