રાજ્યભરના જુદા જુદા મેદાનો પર પોલીસ ભરતીની શારીરિક કસોટી ચાલી રહી છે. રાજ્યના 15 સ્થળોએ યોજાતી આ પરીક્ષામાં ઉમેદવારો અન્ય શહેરો, જિલ્લામાંથી ત્યાં પહોંચી રહ્યા છે. જોકે પરીક્ષાનો સમય સવારે 6 વાગ્યાથી શરૂ થતો હોઈ તેમને રાત્રિ રોકાણની અગવડ પડતી હોય છે. એવામાં ઘણી જગ્યાએ સેવાભાવી લોકો આ ઉમેદવારોની મદદે આવી રહ્યા છે, ત્યારે ભરૂચમાં પણ જિલ્લા પોલીસ આવા ઉમેદવારોની મદદે આવી છે.
ભરૂચમાં જીલ્લા પોલીસ તથા ભરૂચ જીલ્લા વેલ્ફેર હોસ્પિટલ તરફથી જંબુસર બાયપાસ ચોકડી ખાતે ભરુચ વેલ્ફેર હોસ્પિટલના સંકુલમાં લોકરક્ષક ભરતીમાં આવતા ઉમેદવારો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારો કોલલેટર બતાવીને અહીં રહી શકે છે. ઉપરાંત તેમના માટે એક સમયની ચા-નાસ્તાની પણ વ્યવસ્થા વેલ્ફેર હોસ્પિટલ ટ્રસ્ટ તરફથી કરવામાં આવી છે.