•નીચલી કોર્ટના ડીવાયએસપીને તપાસ સોંપવાના હુકમને ડિસ્ટ્રીકટ કોર્ટે રદ્દ કર્યો
•પુન: એ ડિવિઝન પોલીસને જ તપાસ સોંપાઈ
ભરૂચ નગરપાલિકાના પ્રમુખના જાતિના પ્રમાણપત્રને લઈ ઉભા થયેલા વિવાદમાં નીચલી કોર્ટે પોલીસની સી સમરીનો અસ્વીકાર કરી ડીવાયએસપી ને તપાસ સોંપવાના હુકમને રદ્દ કર્યા છે. કોર્ટે ડીજીપીની રિવિઝન અરજી પર હુકમ કરી ડીવાયએસપી ને સોંપેલી તપાસ રદ્દ કરી પુન: એ ડિવિઝન પોલીસને તપાસ કરવાનો હુકમ કર્યો છે. કોર્ટે સી સમરીના નીચલી કોર્ટના હુકમને યથાવત રાખ્યો છે.
ભરૂચ નવરપાલિકાની ચૂંટણી બાદ પાલિકા પ્રમુખ તરીકે અનુસૂચિત જાતિના અમિત ચાવડાને નિયુક્ત કરાતા તેમના વિરોધી તત્વોએ તેમના જાતિના પ્રમાણપત્રનો વિવાદ ઉભો કર્યો હતો. અમિત ચાવડાના જાતિનું પ્રમાણપત્ર ખોટું હોવા ઉપરાંત પ્રમાણપત્રમાં ચેડાં કરાયા હોવાના આક્ષેપ દિનેશ ખુમાણ નામના વ્યક્તિએ કર્યા હતા. પ્રમુખ અમિત ચાવડાને ખોટો ઠેરવી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા દિનેશ ખુમાણે એડવોકેટ અશ્વિન ખંભાતાના માદયમથી તંત્ર અને કોર્ટમાં વિવિધ ફરિયાદોનો દોર શરૂ કર્યો હતો.
જેમાં હાઇકોર્ટમાં તેમની અરજી ફગાવી દેવાઈ હતી. જ્યારે ભરૂચની નીચલી કોર્ટના હુકમના પગલે એ ડિવિઝન પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસના અંતે સી સમરી રજૂ કરી હતી. આ સી સમરીને નીચલી કોર્ટે નકારી યોગ્ય તપાસ ન થઈ હોવાનો અભિપ્રાય આપી સમગ્ર કેસની તપાસ ડીવાયએસપી ને સોંપવા હુકમ કર્યો હતો. જેના પગલે ડીજીપી પ્રફુલ પરમારે જિલ્લા પોલીસવડા અને કલેકટરની મંજૂરી બાદ ડિસ્ટ્રીકટ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી ડીવાયએસપી ઘ્વારા તપાસ કરાવવાના હુકમ સામે સ્ટે મેળવ્યો હતો. ડિસ્ટ્રીકટ કોર્ટમાં રિવિઝન અરજી ચાલી જતા ડિસ્ટ્રીકટ કોર્ટે બન્ને પક્ષના વકીલોને સાંભળ્યા બાદ નીચલી કોર્ટે સમગ્ર કેસની ડીવાયએસપી ને સોંપવાના હુકમને રદ કર્યા હતો. અને પુનઃ એ ડિવિઝન પીઆઈને તપાસ સોંપવાનો હુકમ કર્યો છે. જોકે ડિસ્ટ્રીકટ કોર્ટે રિવિઝન અરજીનો અંશતઃ સ્વીકાર કરી સી સમરીના નીચલી કોર્ટના હુકમને યથાવત રાખ્યો છે.
ડિસ્ટ્રીકટ કોર્ટના હુકમના પગલે એડવોકેટ અશ્વિન ખંભાતાએ આંબેડકર ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પોલીસવડા, કલેકટર અને ડીજીપી ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. સાથે રાજકીય આગેવાનો અમિત ચાવડાને બચાવવા મેદાને પડ્યા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
પ્રેસ કોન્ફરન્સમાં એડવોકેટ અશ્વિન ખંભાતાએ આક્ષેપો સાથે જણાવ્યું કે…
◆ જિલ્લા પોલીસવડા, કલેકટર અને ડીજીપી રાજકીય ઈશારે ડાન્સ કરે છે.
◆ જિલ્લા પોલીસવડા, કલેકટર અને ડીજીપી ની ટુકડી રાજકીય ઈશારે અમિત ચાવડાને બચાવવા મેદાનમાં ઉતરી છે.
◆ અમિત ચાવડા ગુનેગાર છે. ( જ્યાં સુધી કોર્ટ કોઈને ગુનેગાર તરીકે સ્થાપિત ન કરે ત્યાં સુધી તે વ્યક્તિ આરોપી જ ગણાય. આમ છતાં અશ્વિન ખંભાતાએ પોતે જજ હોય તેમ અમિત ચાવડાને ગુનેગાર ઠેરવવાનો પ્રયાસ કરતા વિવાદ ઉભો થયો છે.)
◆ ડીવાયએસપી ને તપાસ સોંપવા સામે ડિસ્ટ્રીકટ કોર્ટે આપેલો સ્ટે નો ઓર્ડર ભરૂચના ઇતિહાસમાં કલંકિત દિવસ ગણાશે