•સાઉથ આફ્રિકાના જોહનિસબર્ગથી વેન્ડા તરફ જતાં કારનું ટાયર બ્લાસ્ટ થતા અકસ્માત સર્જાયો
•સાઉથ આફ્રિકામાં રોડ અકસ્માતમાં ભરૂચના સેગવા ગામના યુવાન સહિત 3ના મોત
•ઘટનાને પગલે તેમના પરિવારોમાં અને મિત્રોમાં શોકની લાગણી છવાઈ
ભરૂચ જિલ્લાના સેગવા ગામના રહેવાસી અને હાલમાં સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા શબ્બીર યાકુબ પટેલ નામના યુવાનની કારનો જોહનિસબર્ગથી વેન્ડા તરફ આવતા માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર શબ્બીર યાકુબ પટેલ સહિત 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.
શબ્બીર યાકુબ પટેલનો મૂળ વ્યવસાય ટ્રાવેલ્સનો હતો. આજે બુધવારના રોજ પણ શબ્બીર પટેલ જોહનિસબર્ગથી મૂળ ભરૂચના જ 3 પેસેન્જરોને લઈ વેન્ડા તરફ જવા રવાના થયો હતો. જેમાં પીટર્સબર્ગ પાસે પુરપાટ દોડતી કારનું ટાયર બ્લાસ્ટ થતા કારના સ્ટિયરિંગ પરથી ડ્રાઈવર શબ્બીર યાકુબ પટેલે કાબુ ગુમાવતા કાર પલટી જઇ ઘસડાઈ હતી. આ પલટી ગયેલી કારમાં સવાર ભરૂચ જિલ્લાના 3 નાગરિકોનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે તેમના પરિવારોમાં અને મિત્રોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.