ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા તા. ૨૯ નવેમ્બરના રોજ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન સુપરત કરી, જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા રજૂઆત કરી હતી.
આવેદન પત્રમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા વર્ગ 1 થી 4 સંવર્ગના અધિકારી – કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારના ધોરણે નવી વર્ધિત પેન્શન યોજના (New Defined Contribution Pension Scheme) ફરજીયાતપણે લાગુ કરવામાં આવી છે. પરંતુ, NPSએ એક અસુરક્ષિત અને શેરબજાર આધારિત યોજના છે. આ યોજના અંતર્ગત કર્મચારી – અધિકારી અને ગુજરાત સરકારના 10 ટકા (કેન્દ્ર સરકારના 14 ટકા) લેખે નાણાંનું રોકાણ અત્યંત અસ્થિર અને અણધાર્યા એવા શેરબજારમાં થતું હોઈ તે જાહેર હિતમાં જણાતું નથી. જેમાં વયનિવૃત્તિ બાદ ખૂબ જ નજીવું પેન્શન બાંધવામાં આવે છે.
વધુમાં જણાવાયું છે કે, તાજેતરમાં જે NPS હેઠળ વયનિવૃત્ત /અવસાન થઈ રહ્યાં છે તેવા NPS ધારકો – વારસોને રૂ. 2000થી પણ ઓછું એવું નજીવું પેન્શન બંધાઈ રહ્યું છે. જેનાથી વૃદ્ધાવસ્થામાં જીવનનિર્વાહ કરવું ખૂબ જ કપરું છે. વળી, આ પેન્શનન યોજનામાં મોંઘવારી ભથ્થા કે નવા પગારપંચનો પણ લાભ મળતો નથી.
એકંદરે, જૂની પેન્શન યોજના પુનઃ મેળવવા માટે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની માંગણી છે કે, NPSની સાપેક્ષ OPS (જૂની પેન્શન યોજના) પુનઃ લાગુ કરવામાં આવે, તથા ફિક્સ પગારની પોલીસી બંધ કરી સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલ અપીલ પરત ખેંચી ગુજરાત હાઈકોર્ટે આપેલ ચુકાદાની અમલવારી કરવામાં આવેની માંગ કરાઇ હતી.