ઝઘડિયા પોલીસ ગત રાત્રિએ જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન તેઓ પેટ્રોલીંગ કરતા કરતા ધારોલી ચોકડી આવતા તેમને ખાનગી બાતમીદારથી માહિતી મળી હતી કે હિતેશ બકોરભાઈ પટેલ અને તેના માણસો આકાશ ટાઇલ્સ કંપની ઉપર રેકી કરી તેમના મળતીયા માણસો દ્વારા બંધ કંપનીમાંથી દિવસના સમયે ગેસ કટર વગેરે સાધનો વડે સ્ક્રેપ તથા મોટરો અને કીમતી મશીનરી વગેરે સામાન કાપી તેની ચોરી કરી કરાવી બાલવીર નામના માણસ રહે. અંકલેશ્વરની સાથે સંપર્કમાં રહી આઇસર ટેમ્પા સામાન ભરાવી લઈ જાય છે અને આ બાબતે હીતેશ બકોરભાઈ પટેલ રેકી કરે છે.
જેથી ઝઘડિયા પોલીસે બાતમી વાળી જગ્યાએ જઈ આકાશ ટાઇલ્સ કંપનીમાં જતા ત્યાં કેટલાક ઇસમો બેટરી ટોર્ચ અને મોબાઈલ ટોર્ચ ના પ્રકાશ પાડી ટેમ્પામાં સ્ક્રેપ ભરી રહેલ હતા અને સ્ક્રેપ ભરવાનો અવાજ સંભળાતો હતો, જેથી પોલીસે ટેમ્પા નજીક જઈને કોર્ડન કરી ચોરી કરનાર ઈસમોને પકડવા જતાં ચાર પાંચ જેટલા ઈસમો ભાગી ગયેલ હતા અને રાકેશ કુમાર, ઘનશ્યામ શ્રીકૃષ્ના, રોહિત શિવ પ્રસાદ અને વાજીત નાસીર શાહ નામના ઈસમો ને પોલીસે છાપો મારી ઝડપી લીધા હતા. પોલીસે ચોરી સહિત ૧૦૦૦ કિલો જેટલું સ્ક્રેપ, આઇસર ટેમ્પો તથા ૩ મોબાઈલ મળી કુલ રૂપિયા 5.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઝઘડિયા પોલીસે રાકેશકુમાર હરિશંકર શિરોમણી ચમાર રહે. પાનોલી તા. અંકલેશ્વર, ઘનશ્યામ શ્રી ક્રિષ્ના યાદવ હાલ રહે અંસાર માર્કેટ મૂળ રહે. એરડી બલરામપુર ઉત્તર પ્રદેશ, રોહિત શિવપ્રસાદ સોમનાથ બોધ રહે. અંસાર માર્કેટ મૂળ રહે. શિશાસીના, ધોપલાપુર બલરામપુર ઉત્તર પ્રદેશ, વાજીત નાસીર શાહ રહે. નવલ માર્કેટ અંકલેશ્વર મુળ રહે. ભાવપુમીરા સિદ્ધાર્થ નગર, બાલવીર રહે. અંકલેશ્વર હિતેશ બકોરભાઈ પટેલ રહે. તલોદરા તા. ઝઘડિયા તથા ચાર પાંચ જેટલા અજાણ્યા ઇસમો વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.