શિયાળાની શરૂઆત થતાં જ અંકલેશ્વર પંથકમાં ફરી વીજ ટ્રાન્સફોર્મર ચોરો સક્રિય થવા પામ્યા હતા.અંકલેશ્વર તાલુકાના જૂની દીવી, જૂના દીવા તેમજ જૂની સૂરવાડી સહિતના ત્રણ ગામોની સીમમાંથી વીજ ટ્રાન્સફોર્મરોને નિશાન બનાવી તસ્કરો ઈલેક્ટ્રિક કોઇલ મળી કુલ રૂ. 1.26 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા જૂની દીવી, જૂના દીવા તેમજ જૂની સૂરવાડી ગામોની સીમમાં ખેતીવાડી માટે વીજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યા છે જે વીજ ટ્રાન્સફોર્મરોને ગત તારીખ 7, 9, 10, 15 અને 17 નવેમ્બરના રોજ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા અને ટ્રાન્સફોર્મરોમાં રહેલા ઓઇલને ઢોળી સ્ટડ તોડી અંદર રહેલી કોઇલ મળી કુલ રૂ. 1.26 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી. આ ચોરીઓ અંગે પાંચ ખેડૂતોએ વીજ કચેરી ખાતે જાણ કરી હતી, જેને પગલે વીજ કંપનીના અધિકારીએ અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી.