સુરત શહેરમાં પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી રાણી સતી નામની મિલમાં આજે સવારે 10 વાગ્યા આસપાસ આગ લાગી હતી. એની જાણ થતાં ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગને કારણે બે કિલોમીટર સુધી ધુમાડો દેખાઈ રહ્યો છે. હાલ ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ત્રણ દિવસ બંધ રહ્યા બાદ આજે મિલ ચાલુ કરવા સમયે ઘટના બની હોવાનું બહાર આવ્યું છે. સવારે બોઇલર પાસે કામ ચાલતું હતું. દરમિયાન ઓઈલ લીકેજ થવાથી કેમિકલમાં ચિંગારી ઉડતા જોતજોતામાં ભીષણ આગ લાગી હતી. મિલ અંદાજે 30 વર્ષ કરતાં પણ જૂની હોવાથી સ્ટ્રક્ચર પણ ખૂબ નબળું થઇ ગયું છે. આ મિલમાં ફાયરના સાધનો હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું.
પાંડેસરા જીઆઇડીસીની મિલમાં ભીષણ આગ લાગતાં ફાયર વિભાગ દોડતો થયો છે. ડાઇંગ પ્રિન્ટિંગની અંદર આગ એકાએક આગ ભભૂકી ઊઠતા જોતજોતાંમાં આગે આખી મિલને લપેટમાં લઈ લીધી હતી. આગ એટલી ભીષણ છે કે બે કિલોમીટર દૂરથી તેના ધુમાડા દેખાઈ રહ્યા છે. આગ લાગતાં આસપાસની મિલોમાં પણ ફફડાટ ફેલાયો છે. એકાએક આગ ભભૂકી ઊઠતાં વિસ્તારની દોડધામ મચી જવા પામી છે.