The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 210

ભરૂચ: ઝંગાર સરપંચના મહિલા ઉમેદવારના પતિ પર માથાભારે ઇસમ દ્વારા કરાયો હુમલો

ભરૂચ તાલુકામાં આવેલાં ઝંઘાર ગામે ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ગામમાં મહિલા સરપંચની ઉમેદવારના ઘરની બહાર તેમના ટેકેદારો બેઠા હતાં. ત્યારે ગામનો એક માથાભારે ઇસમ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેમને અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં. સાથે તેણે મહિલા સરપંચના મહિલા ઉમેદવારન સાડી ખેંચવા સાથે તેને તેના પતિ સહિતનાઓ ઉપર ચપ્પુ વડે હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છુટ્યો હતો.આ બનાવ સંદર્ભે નબીપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ભરૂચ તાલુકામાં આવેલાં ઝંઘાર ગામે નવી નગરી વિસ્તારમાં રહેતી અને ખેતમજુરી કરતી ટીનીબેન રાજેશ વસાવાએ ચાલુ વર્ષે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનુસુચિત જનજાતીની સીટ હોઇ તેઓ સરપંચના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. ગત રાત્રીના સમયે તેમની ઘરની બહાર ગામના સિકંદર યુસુફ માસ્તર, વિજય વસાવા, ઇકરામ કોકરીયા સહિતના આગેવાનો બેઠાં હતાં. તે વેળાં ગામમાં જ રહેતો અને માથાભારે ઇસમ સોહેલ નુરમહંમદ ઇબ્રાહીમ દિલીપ ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે સિકંદરને તું કેવો સરપંચ બનીશ હું તને જોઇ લઇશ તેવી ધમકીઓ આપી અપશબ્દો ઉચ્ચારી ત્યાંથી જતો રહ્યો હતો.

થોડીવાર બાદ પુન: આવી સરપંચના ઉમેદવાર ટીનીબેન વસાવા સહીતનાઓને જાતિ વિષયક તેમજ અપશબ્દો ઉચ્ચારતાં તેને ટોકતાં તેણે ટીનીબેનની સાડી ખેંચવાનો પ્રયાસ પણ કર્યો હતો. ઉપરાંત તેના પતિ તેમજ અસ્માબેન સહિતનાઓને માર માર્યાં બાદ સોહેલે ઉમેદવાર ટીનીબેનના પતિ રાજેશ તમજ અસ્માબેન પર ચપ્પુથી હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયાં હતાં. આ બનાવ સંદર્ભે નબીપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના 3 શૂટર અને નેશનલ માટે 7 શૂટર ગુજરાતનું પ્રતીનિધિત્વ કરશે

ભોપાલમાં 64મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપ તારીખ 25 નવેમ્બર થી 10 ડિસેમ્બર સુધી યોજાઈ હતી. જેમાં ભરૂચ ડીસ્ટ્રીક રાઈફલ શુટિંગ એસોસિએશનના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભરૂચ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશનના પ્રમુખ અરૂણસિંહ રણા, સેક્રેટરી અજય પંચાલ અને કોચ મિત્તલ ગોહિલના માર્ગદર્શનથી ભરૂચના સ્પર્ધકો નેશનલ લેવલે પ્રતિનિધિત્વ કરી ભરૂચ ડીસ્ટ્રીકનું નામ રોશન કર્યું છે.

ખુશી ચુડાસમા, પૃથ્વીરાજ રણા, ધનવીર રાઠોડ, સોમ વિશાવડિયા, અદિતિ રાજેશ્વરી, તનવી જોધાણી નેશનલ ચેમ્પિયનશીપ માટે પસંદગી પામ્યા છે. તેમજ ખુશી ચૂડાસમા, ધનવિર રાઠોડ અને સોમ વિસાવડિયા ઇન્ડિયન ટીમની ઈન્ટરનેશનલ લેવલની ટ્રાયલ માટે પસંદગી પામ્યાં છે. સ્પર્ધકો પૂરતા જોશથી નેશનલ લેવલે સારું પ્રતિનિધિત્વ કરી શકે તેની તૈયારીમાં જોડાઈ ગયા છે.

રાજપીપળા : સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કુલપતિઓનો સેમિનાર યોજાયો

સ્ટેચ્યૂ ઓફ યુનિટી નર્મદા ખાતે કુલપતિઓની બે દિવસની સંગોષ્ઠિનું આયોજન કરાયું છે. ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બે દિવસની સંગોષ્ઠિનો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્ય મંત્રી કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. આ બે દિવસીય સંગોષ્ઠિમાં રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર અને IQAC કો-ઓર્ડિનેટર ભાગ લીધો છે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગવી દીર્ઘદ્રષ્ટિથી તૈયાર થયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ રાજ્યના વિશ્વવિદ્યાલયોને વૈશ્વિક કક્ષાએ ગુણવત્તાયુક્ત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં યોજાઇ રહેલી રાજ્યના કુલપતિઓની બે દિવસીય સંગોષ્ઠિને સંબોધન કરતા તેમણે કહ્યું કે, શિક્ષણની સાથે છાત્રોમાં ચારિત્ર્ય નિર્માણ અને ઉમદા નાગરિક બનવાના ગુણ સાથે કૌશલ્યવાન બને તેવા પ્રયાસો રાજ્ય સરકાર કરી રહી છે.

વધુમાં વાઘાણીએ જણાવ્યું કે, ગુજરાત શિક્ષણ ક્ષેત્રે સર્વગ્રાહી અને સર્વસમાવેશક પ્રયાસોથી આગળ વધી રહ્યું છે. આપણે છેલ્લા સમયગાળા દરમિયાન જોયું છે કે રાજ્યની યુનિવર્સિટીઓના રેન્કિંગમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. રાજ્ય સરકારે શિક્ષણને ગુણવત્તાયુક્ત બનાવવા માટે શ્રેષ્ઠત્તમ પ્રયાસો કર્યા છે. હવે, શિક્ષણક્ષેત્રે પણ ગુજરાત ગ્લોબલ લિડર બને તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતની યુનિવર્સિટીઓ પાસે જોઇતું હોય એવું તમામ પ્રકારનું ભૌતિક સંસાધન ઉપલબ્ધ છે. ત્યારે, આવનાર સમયમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આંતર માળખાકીય સુવિધાઓને વધુ બહેતર બનાવી ગુજરાતની યુનિવર્સિટીઓ ગ્લોબલ રેન્કિંગ હાંસલ કરે તે માટે આગામી ચાર વર્ષ માટેનો રોડ મેપ તૈયાર કરાશે.

તેમણે જણાવ્યું કે, યુનિવર્સિટીઓમાં ડેટા એનાલિસીસ સંસાધનો, ડેટા કલેક્શન અને નવા સંશોધન માટે હાયર એજ્યુકેશન એન્ડ ટેક્નોલોજી સેન્ટર ઉભા કરવામાં આવશે. આ ઉપરાંત યુનિવર્સિટીમાંથી જ વિદ્યાર્થીઓને નોકરીની તકો મળી રહે તે માટે ઇન્ડસ્ટ્રીઝ લિંકેજ એન્ડ પ્લેસમેન્ટ સેન્ટર બનાવી સ્થાનિક કક્ષાએ યુવાનોને રોજગારી મળી રહે તે માટે પ્લેટફોર્મ પૂરૂ પાડવામાં આવશે. સ્થાનિક એકમોને તેમને જરૂરિયાત અનુસાર કૌશલ્યવાન માનવ સંપદા મળી રહેશે. જેથી વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નમાં યુનિવર્સિટીઓ પણ કદમથી કદમ મિલાવશે.

આજથી યાત્રાધામ પાવાગઢ બનશે સુમસામ : ૬ દિવસ સુધી મંદિર અને રોપ-વે રખાશે બંધ

•આજથી 5 દિવસ સુધી પાવાગઢ આવનારા યાત્રાળુઓને ફરજીયાત ડુંગરના પગથિયાં ચઢી કરવા પડશે માતાજીના દર્શન

યાત્રાધામ પાવાગઢ ખાતે આજથી રોપ વે અને મંદિરના દર્શન ભક્તો માટે બંધ રહેશે.વળી મંદિરમાં ગર્ભ ગૃહના નિર્માણ કાર્યને લઈ આજથી 17 ડિસેમ્બર સુધી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

જયારે રોપ-વેનું પણ એન્યુઅલ મેન્ટેનન્સ કરવાનું હોવાથી ઉષા બ્રેકો દ્વારા આજથી 18 ડિસેમ્બર સુધી સેવા બંધ રાખવા નિર્ણય લેવાયો છે. દર વર્ષે નિયમિત રોપ-વેનું સંપૂર્ણ પણે મેન્ટેનન્સ કરવામાં આવે છે. ત્યારે આજથી 17 ડિસેમ્બર સુધી રોપ વે અને મંદિર બંધ રહેતા યાત્રાધામ પાવગઢ સુમસામ બન્યું છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રાળુઓને માતાજીના દર્શન સરળતાથી થઈ શકે તે માટે ઉષા બ્રેકો લિમિટેડ સંચાલિત ઉડન ખટોલા (રોપ-વે) ચલાવવામાં આવે છે, આ રોપ-વે આજથી 6 દિવસ માટે બંધ એટલે કે તારીખ 13 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર સુધી મેઇન્ટેનન્સ માટે ઉડન ખટોલા સેવા બન્ધ રહેશે જે 19 ડિસેમ્બરથી પુનઃ શરૂ કરી દેવામાં આવશે.

અંકલેશ્વર : પીરામણ શાળામાં ઉભું કરાયું ઔષધિ ગાર્ડન

અંકલેશ્વરની પીરામણ શાળામાં ઔષધિની ઓળખ માટે વિદ્યાર્થીઓ માટે ઔષધિ ગાર્ડન ઉભું કરવામાં આવ્યું છે. જેમાં ઔષધિ જન્ય વનસ્પતિ અંગે વિદ્યાર્થીઓને માર્ગ દર્શન આપવા સેમિનારનું પણ આયોજન કરાયું હતું. પર્યાવરણ ના જતન સાથે અમૂલ્ય વનસ્પતિ ની જાણકારી વડે આગવી પેઢી અવગત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિ શનિવાર વિવિધ શાળા માં શરૂ કરવામાં આવેલ સ્કૂલ ઓફ એકસેલન્સ હેઠળ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. એન. ડી પટેલ માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર પીરામણ પ્રાથમિક શાળા ખાતે હાઉસ પ્રવુતિ હાથ ધરવામાં આવી હતી. હાઉસ પ્રમાણેની પ્રવૃતિઓમાં શાળામાં ઔષધ ગાર્ડન ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ઔષધીય વનસ્પતિની ઓળખ અને તેના ઉપયોગ વિશેની માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ તુલસી, અરડુસી, અજમા જેવી ઔષધીય વનસ્પતિના ઘરેલુ ઉપયોગ અંગેની સમજ આપવામાં આવી હતી.

આ ઉપરાંત શાળાના કીચન ગાર્ડનનો ઉપયોગ મધ્યાહન ભોજનમાં ઉપયોગ કરી શકાય તેમજ શાળાકીય ગાર્ડનમા ફુલો દ્વારા શાળાનુ ભાવાવરણ પ્રફુલ્લિત બને સાથે શાળાના ટેરેસ ગાર્ડન દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક સમયમાં પ્રકૃતિના સાંનિધ્યમાં રહી શકાય એવી સમજ આપવામા આવી હતી.

“દિવ્ય કાશી, ભવ્ય કાશી” કાર્યક્રમ અંતર્ગત જિલ્લાભરમાં ભરૂચ ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

“દિવ્ય કાશી, ભવ્ય કાશી” કાર્યક્રમ અંતર્ગત જિલ્લાભરમાં ભરૂચ ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં ભરૂચ શક્તિનાથ મહાદેવ મંદિરે જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા શિવજીને જળાભિષેક કરી પૂજન કરાયું હતું.

આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલભાઈ પટેલ, ઉપપ્રમુખ દિવ્યેશભાઈ પટેલ, ફાલ્ગુનિબેન પટેલ, મંત્રી નિશાંતભાઈ મોદી, જીજ્ઞેશભાઈ મિસ્ત્રી, રાજુભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિતભાઇ ચાવડા, શહેર પ્રમુખ પ્રકાશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરોએ હાજર રહ્યા હતા.

ભરૂચ: ભૂખી ખાડીનો બ્રિજ આજથી વાહનો માટે ચાર દિવસ રહેશે બંધ

•13થી 16 ડિસેમ્બર સુધી સમારકામને લઈને બ્રિજ બંધ રખાશે

ભરૂચ શહેરના વરેડિયા નજીક આવેલી ભૂખી ખાડીનો બ્રિજ જર્જરિત બનતા તેનું તાત્કાલિક સામાર કામ કરવાની જરૂરિયાત ઉભી થતા તંત્રએ એક જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં વરેડીયા પાસે આવેલી ભુખી ખાડી પર ભરૂચ વડોદરા તરફ ટ્રાફિક વહન કરતો બ્રીજ જર્જરીત હાલતમાં હોઈ તેનું તાત્કાલિક રીપોરીંગ જરૂરી છે.

આથી ભુખી ખાડી બ્રીજ ભરૂચથી વડોદરા તરફ જતાં તમામ વાહનોની અવર-જવર માટે તારીખ 13થી 16 ડિસેમ્બર સુધી જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે નેશનલ હાઈવે નં.48 ના વડોદરા – ભરૂચ સેકશન ભુખી ખાડી 2 LANE NARROW BRIDGE ઉપર ભરૂચ થી વડોદરા તરફ જતાં તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે.

રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ભરૂચથી વડોદરા તરફ જતાં તમામ પ્રકારના વાહનો વડોદરાથી ભરૂચ આવતાં બ્રીજ -હાઈવે પર ડાયવર્ટ કરવા. પ્રોજેકટ મેનેજર વડોદરા ભરૂચ ટોલ-વે લીનાએ ભરૂચથી વડોદરા તરફ જતાં તથા વડોદરાથી ભરૂચ તરફ અવર-જવર કરતાં તમામ પ્રકારના વાહનોને કારણે બ્રીજ હાઈવે પર ટ્રાફિક ન થાય તેમજ મુસાફરોને અડચણ પેદા ન થાય તે હેતુસર હાઈવે ઉપરની બંને સાઈડ ઉપર પૂરતા પ્રમાણમાં સેફટી ગાર્ડની વ્યવસ્થા અવશ્ય કરાશેનું જાણવા મળી રહ્યું છે.

ભરૂચ: મનુબર ચોકડી નજીકના મુન શોપીંગ સેન્ટર પાસે જૂની અદાવતે થઈ મારામારી

ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ મનુબર ચોકડી નજીકના મુન શોપીંગ સેન્ટર નજીક જૂની અદાવતની રીશ રાખી એક ઇસમ ઉપર લાકડી વડે હૂમલો કરાતા ઘાયલ અવસ્થામાં તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખસેડાયો હતો.

ઘટનાની મળતી જાણકારી અનુસાર તા.૧૨મીની રાતે ૮.૩૦ કલાકની આસપાસ મહંમદ જાવેદ ઉર્ફે નવાબ દિવાન મુન શોપીંગ સેન્ટર નજીક ખુરશી નાંખી બેઠા હતા. દરમિયાન ૩ વર્ષ ઉપરાંતના જૂના ઝઘડાની રીશ રાખી અચાનક સુફીયાન તેની પત્ની અને સાસુએ આવી જાવેદ ઉર્ફે નવાબ દિવાન સાથે બોલાચાલી ઝઘડો કરી તેના ઉપર કડી વાળી લાકડી વડે હૂમલો કર્યો હતો.

અચાનક થયેલા હૂમલામાં જાવેદ ઉર્ફે નવાબ દિવાનને માથામાં તેમજ પગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને ૧૦૮ મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટ્લ લવાયો હતો. આ મામલે બી. ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

જંબુસર: નહાર ખાતે 1962ની ટીમે બચાવ્યો ભેંસ સાથે બચ્ચાનો જીવ

સરકાર‌ ની યોજના અંતર્ગત દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનાની યોજના ચાલે‌ છે. જેમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામમાં સરકાર દ્વારા એક એમ્બ્યુલન્સ મુકાયેલી છે એમાં નજીકના દસ ગામ આવરી લેવામાં આવેલ છે.

તા:10/12/2021 ના રોજ નહાર ગામમાં ફરતાં પશુ દવાખાનામાં કાર્યરત ડો.સમીરભાઈ ડોડીયા તથા પાયલોટ નીલેશભાઈ ચારેલ ને નહાર ગામના વતની દીનેશભાઈ મકવાણાએ તાત્કાલિક સારવાર માટેનો કેસ નોંધાવ્યો હતો ત્યારે 1962 ના પશુ ચિકિત્સક ડો સમીરભાઈ ડોડીયા તેમના સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગયા હતા.

ભેંસને તપાસ કરતા ભેંસને ગર્ભમાં આંટી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ભેંસ‌ અને તેના બચ્ચાને બચાવવા માટે ડો.સમીરભાઈ ડોડીયા તથા પાયલોટ નીલેશભાઈ ચારેલ એમ બંનેવે મળીને ત્રણ (3) કલાકની મહેનત બાદ આંટી ખોલી હતી અને જીવતા બચ્ચાને બહાર કાઢી માતા અને બચ્ચાનો જીવ બચાવ્યો હતો.હાલ માતા અને બચ્ચું સુરક્ષિત છે. પશુપાલકે પોતાની ભેંસ અને બચ્ચુ સલામત રહેતા 1962 ટીમનો આભાર માન્યો હતો.

ભરૂચ શહેરના ભોલાવ પેટ્રોલપંપ પાસેથી ચોરાયેલ બાઇક સાથે ૧ ઝડપાયો

ભરૂચ એલ.સી.બી ની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન મળેલ બાતમી આધારે ભરૂચ ઝાડેશ્વર ચોકડી ખાતે વોચ દરમ્યાન ભરૂચ શહેર ભોલાવ પેટ્રોલ પંમ્પ સામેથી ચોરી થયેલ સ્પ્લેન્ડર બાઇક નં. GJ 23 AG 2493 સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી હતી.

ભરૂચ એલ.સી.બી દ્વારા ઝડપેલા આરોપી વિજય રણજીતસિંહ રાણા રહે. ધોળીકુઇ ભરૂચને “સી” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. તેમજ સ્પ્લેન્ડર મો.સા.નં. GJ 23 AG 2493 કિ.રૂ. ૨૦,૦૦૦/- અને મોબાઇલ ફોન નંગ- કિ.રૂ. ૨૦૦૦/- મળી કુલ રૂપિયા ૨૨,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ આરોપીએ અન્ય કોઇ વાહન ચોરી કે અન્ય ચોરીઓ કરેલ છે કે કેમ? તથા અન્ય કોઇ આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ? તે બાબતે વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે.

error: Content is protected !!